- કોરોના મહામારીને કારણે ચૂંટણી લંબાતા સુપ્રીમ કોર્ટના આદેશ બાદ લેવાયો નિર્ણય
- ત્રણ માસ પછી પુનઃ સમિક્ષા કરી ચૂંટણી યોજવા અંગે નિર્ણય લેવાશે
- ચૂંટણી ન થાય ત્યાં સુધી ચીફ ઓફિસર વહીવટદાર તરીકે સત્તા પર રહેશે
બારડોલી: સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદત સોમવારના રોજ પૂર્ણ થઈ હતી. તેથી પાલિકાના વહીવટદાર તરીકે ચીફ ઓફિસર કોમલ ઘીનૈયાએ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. ભાજપના પાંચ વર્ષનું શાસન પૂર્ણ થયું હતું.
રાજ્યની 51 નગરપાલિકાઓની પાંચ વર્ષની મુદત પૂરી થાય તે પહેલા ચૂંટણી યોજવાની થતી હતી. પરંતુ હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને કારણે સમયસર ચૂંટણી યોજાઇ શકે એમ ન હોવાથી ચૂંટણી પંચ દ્વારા આગામી ત્રણ માસ માટે ચૂંટણી મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્રણ માસ પછી પરિસ્થિતીની પુનઃ સમિક્ષા કરી ચૂંટણી યોજવા અંગે નિર્ણય કરવામાં આવશે.
કોરોનાના કારણે ચૂંટણી મુલતવી રહેતા કરાય નિમણૂક
ચૂંટણી મુલતવી રહેતા વહીવટદારની નિમણૂક કરવા માટેની જોગવાઈ કરવામાં આવી હતી. જેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવતા હાઈકોર્ટે વહીવટદારની નિમણૂક શકય નથી એવો હુકમ કર્યો હતો. આ ચુકાદ અંગે સુપ્રીમ કોર્ટમાં વચગાળાની અરજી દાખલ કરવામાં આવી હતી. જેનો 9મી ડિસેમ્બરના રોજ ચુકાદો આવ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ન થાય ત્યાં સુધી ચીફ ઓફિસરની વહીવટદાર તરીકે નિમણૂક કરવાનો હુકમ કર્યો હતો.