સુરતના સચિન GIDC વિસ્તારમાં આયોજીત રામલીલામાં પિતા સાથે ગયેલી 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટનામાં પોલીસે નરાધમની ધરપકડ કરી છે. પરંતુ જો ધરપકડમાં હજુ સમય લાગ્યો હોત તો આ આરોપી સુરત છોડીને નાસી જવાની તૈયારીમાં હતો.
દુષ્કર્મ બાદ નાસી જવાની તૈયારીમાં હતો આરોપી, પોલીસ સમયસર પહોંચી આરોપી શશી નિષાદને જ્યારે જાણ થઈ કે, સુરત પોલીસ તેની શોધખોળ કરી રહી છે, ત્યારે તેને નાસી જવાની તૈયારી કરી લીધી હતી. તેને પોતાની બેગ પણ તૈયાર કરી લીધી હતી. પરંતુ હ્યુમન ઈન્ટેલિજન્સના કારણે સુરત પોલીસ આરોપી સુધી પહોંચી ગઈ હતી. ટૂંક સમયજમાં તે ભાગવાની ફિરાકમાં હતો, ત્યાં પોલીસ પહોંચી હતી.
શશી નિષાદ અંગે પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે, રામલીલામાં આરતી લેવા પિતા ઉભા થયા હતા અને બાળકીનું તે દરમિયાન અપહરણ બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 12 ટીમો અને CCTVના આધારે તપાસ કરવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસના કામે લાગી હતી. SITની ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં DCP કક્ષાના અધિકારી સાથે જોઈન્ટ પોલીસ કમિશ્નરનો સમાવેશ કરાયો હતો. અલગ-અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સના આધારે તપાસ કરી અને સફળતા મેળવી હતી.
આરોપી શશી રામકૃપા સ્ક્રેપનો કારીગર છે અને પરણિત છે. કયા સંજોગોમાં આરોપીએ બાળકી સાથે આ પાશ્વીય દુષ્કર્મ ગુજાર્યુ તેની પૂછપરછ હવે આરોપીના રિમાન્ડ મેળવ્યા બાદ સુરત પોલીસ કરશે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનામાં પોલીસે સ્થાનિક લોકોનો સાથસહકાર મળ્યો હતો. સુરત પોલીસ આ વિસ્તારમાં ડોર-ટુ-ડોર જઈ અને CCTVના આધારે આરોપીની શોધ કરી હતી અને આરોપીની જાણકારી આપનારને 50 હજારના ઇનામની જાહેરાત પણ કરી હતી.