સુરત:આજે 8 મેના રોજ વર્લ્ડ થેલેસેમિયા ડે તરીકે મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે થેલેસેમિયા અંગે મોટી સંખ્યામાં લોકો જાગૃત થાય આ માટે સુરતમાં અનોખી પહેલ કરવામાં આવી છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ મા જે યુવક-યુવતીઓ લગ્નગ્રંથિથી જોડાશે તેઓને પહેલા થેલેસેમિયા રિપોર્ટ સમાજને આપો ફરજિયાત રહેશે.
ગુજરાતમાં થેલેસેમિયાથી પીડિતોની સંખ્યા: 25 ફેબ્રુઆરી 2024ના રોજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી 65મો સમૂહ લગ્ન સમારોહ યોજાશે. જેને લઈને યુવક યુવતીઓના નામની નોંધણી પણ કરવામાં આવી રહી છે. લગ્ન માટે બાયોડેટા જ નહીં પરંતુ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ખાસ થેલેસેમિયા રિપોર્ટની પણ માંગણી કરવામાં આવી છે. સમૂહ લગ્નમાં લગ્ન કરવા ઇચ્છિત યુવક યુવતીઓમાંથી એકને સંસ્થાને થેલેસેમિયા રિપોર્ટ કરાવી આપવો એ ફરજિયાત હશે. થેલેસેમિયા અંગે જનજાગૃતિ થાય આ માટે સમાજ તરફથી આ અનોખી પહેલ કરવામાં આવી છે કારણ કે, ગુજરાતમાં થેલેસેમિયાથી પીડિત બાળકોની સંખ્યા 10,000 થી પણ વધુ છે. જ્યારે સુરત શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો આ રોગથી પીડિત બાળકોની સંખ્યા 800 થી પણ વધારે છે.
બોનમેરા ટ્રાન્સ પ્લાન્ટએ જ માત્ર એક પદ્ધતિ:સંસ્થાના પ્રમુખ કાન્જીભાઈ ભાલાળાએ જણાવ્યું છે, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતની એકમાત્ર એવી સંસ્થા છે કે, જે સમુહ લગ્નના આયોજનમાં લગ્નગ્રંથિથી જોડાનાર યુવક યુવતીઓ પાસે થેલેસેમિયા રિપોર્ટની માંગણી કરી રહી છે. કારણ કે થેલેસેમિયા તેવા બાળકોને થાય છે કે જેના માતા-પિતા ને થેલેસેમિયા હોય અને આ અનુવાંશિક રોગ છે. થેલેસેમિયા મેજર રોગ હોવાથી બાળકના શરીરમાં નવું લોહી નથી બનતું. અને અનેક પ્રયાસો બાદ પણ આ રોગથી બાળકોને મુક્ત કરાવી શકતા નથી જોકે બાળકમાં બોનમેરા ટ્રાન્સ પ્લાન્ટએ જ માત્ર એક પદ્ધતિ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ પદ્ધતિ ખૂબ જ જોખમી તેમજ ખર્ચાળ છે. આ રોગને લઈ લોકોમાં જાગૃતિ આવે આ માટે અમે સમુહ લગ્નમાં લગ્નગ્રંથિથી જોડાનાર યુવક યુવતીઓને એક જાગૃત સંદેશ આપવા માંગીએ છીએ. આમ તો લગ્નમાં જન્મ કુંડલી મેળવવા બાદ જ લગ્ન થાય છે પરંતુ આ સમૂહ લગ્નમાં થેલેસેમિયા રિપોર્ટ જોયા બાદ જ લગ્ન થશે.