સુરત:આતંકી સંગઠન સાથે સંકળાયેલી સુમેરાબાનુની ગુજરાત ATS (Gujarat ATS) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મળેલી માહિતી અનુસાર સુમેરા પાસેથી ચાર મોબાઇલ અને અન્ય સામગ્રી મળી આવી છે. ETV ભારતની ટીમ જયારે સુમેરાના ઘરે પહોંચી તો દરવાજો બંધ જોવા મળ્યો હતો. ETVભારતની ટીમ દ્વારા દરવાજો ખખડાવવામાં આવ્યો છતાં દરવાજો ખુલ્યો નહિ. આસપાસ લોકો કોઈ મીડિયા સાથે વાતચીત કરવા ખચકાતા હતા પરંતુ સોસાયટીના સેક્રેટરી ઇમરાન ભાઈ સાથે ETV ભારતની ટીમે વાતચીત કરી હતી.
6થી 7 કલાક પૂછપરછ:ETV ભારતની ટીમ સૌપ્રથમ પહોંચીને સેક્રેટરી સાથે વાતચીત કરી હતી. ઇમરાન ભાઈને સમગ્ર મામલે ETV ભારત તરફથી પૂછવામાં આવતા તેમને જણાવ્યું હતું કે ગઈકાલે પોલીસની ગાડી લઈને 5થી 6 લોકો આવ્યા હતા અને તેઓના ઘરમાં પ્રવેશ કર્યો હતો. અમને ખબર ન હતી કે આ ATSની ટીમ છે. ત્યારબાદ પાછળથી 10 મહિલા અને અન્ય વધુ 10 લોકો આવ્યા હતા. તેઓએ ત્યારબાદ બપોરે 2 વાગ્યા સુધી તેઓની પૂછપરછ કરી હતી. સેક્રેટરી હોવાને નાતે ATSની ટીમે મને પૂછ્યું હતું કે આ લોકો અહીંયા કેટલા સમયથી રહે છે અને અન્ય પ્રાથમિક જાણકારી મેળવી હતી. મારી પાસે ડીવીઆર પણ માંગી હતી. બપોરે 2 વાગે ATSની ટીમ તેઓને લઈને રવાના થઇ હતી.
બાળકોને સ્કુલે છોડવાનું લેવા જવા માટે જ બહાર નીકળતી:ETV ભારતે સેક્રેટરી ઇમરાન ભાઈને પૂછ્યું કે તેઓ સુમેરબાનુ અને તેના પરિવારને ક્યારથી ઓળખે છે તેના જવાબમાં જણાવ્યું હતું કે જેટલા વર્ષથી તેના પિતા અહીંયા રહે છે ત્યારથી અમે ઓળખીએ છીએ. સુમેરાના લગ્ન થઇ ગયેલા છે પરંતુ લગ્નના થોડાક સમય બાદ તેના છૂટાછેડા થઇ ગયા હતા. લગભગ 3થી 4 વર્ષ પહેલા છૂટાછેડા બાદ તે અહીંયા તેના ફાધર સાથે રહે છે. વધારે સમય તે ઘરમાં વિતાવતી હતી. તેનો છોકરો નોડી સ્કૂલમાં ભણે છે તેને લેવા માટે ઘરની બહાર નીકળતી હતી.
પેંશનથી ચાલતું હતું ઘર: ભારતે જયારે પૂછ્યું કે શુમેરા ઘરમાં રહીને શું કરતી હતી? આજીવિકા માટે શું કામ કરતી? તેના જવાબમાં સેક્રેટરી ઇમરાન ભાઈએ જણાવ્યું હતું કે શુમેરાનાં પિતા પોસ્ટ વિભાગમાં કામ કરતા હતા. હાલ તેઓ રિટાયર્ડ છે અને તેઓના પેંશનથી જ ઘર ચાલતું હતું. શુમેરાનો પણ સમગ્ર ખર્ચ તેના પિતાજી જ ઉઠાવતા હતા અને તેઓ ઘરમાં જ રહેતા હતા. તેઓ બંને કોઈ પણ જોબ કરતા ન હતા.