સુરત જિલ્લાના કામરેજ તાલુકા મથકે દરેક કચરીઓમાં કાયમી અધિકારીઓ જ નથી. જેમાં કામરેજ મામલતદાર , કામરેજ પી.આઈ , તાલુકા વિકાસ અધિકારી સહિતના અનેક હોદ્દાઓ ઇન્ચાર્જના હવાલે ચાલી રહ્યા છે. તો બીજી તરફ પડ્યા પર પાટુ હોય તેમ કામરેજ તાલુકાના 69 ગામો પૈકી 12 ગામોમાં તલાટી જ નથી. અને આજુબાજુના 7 જેટલા ગામોના સયુંકત સેજાવાળા તલાટીને ચાર્જ આપવાના કારણે 23 ગામોમાં અઠવાડિયા દરમિયાન એક કે બે વખત હાજરી આપી શકે છે. જેના કારણે ગ્રામીણ લોકોને ઘણી હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
કામરેજ તાલુકામાં આમતો દરેક મુખ્ય કચેરી ઇન્ચાર્જના હવાલે ચાલી રહી છે. ત્યારે સત્તાધીશો અને ઇન્ચાર્જ અધિકારીઓ દ્વારા સરકારમાં અધિકારીઓની કાયમી નિમણૂક કરવા માટે ઘણી રજૂઆતો કરવામાં આવી છે. આ પ્રશ્નનું નિરાકરણ ઝડપથી આવે અને લોકોને પડતી હાલાકીનો કાયમી નિકાલ આવે.
કામરેજ તાલુકાની તમામ કચેરીઓમાં તલાટીઓની ઘટ
કામરેજ તાલુકા પંચાયત કચેરીની વાત કરીએ તો તાલુકા વિકાસ અધિકારી પણ ઇન્ચાર્જ છે. અને આસિસ્ટન્ટ ટી.ડી.ઓની બદલી બાદ રામ ભરોસે પ્રજા સુખી જેવી સ્થિતિ સર્જાવા પામી છે. તેમજ મામલતદાર કચેરીમાં 22 રેવન્યુ તલાટી , 4 નાયબ મામલતદાર અને 4 કારકુનની ઘટ છે. ટુંકમાં કહીએ તો કામરેજ તાલુકાની પ્રજાના કામો કોઈ પણ સરકારી કચેરીએ થતા નથી. અને લોકોએ ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. ત્યારે ખુદ સત્તાધીશો સરકારના આવા નિર્ણયોથી હેરાન છે. અને વહેલી તકે આ ઘટ પુરી કરવા માગ કરી રહ્યા છે.
કામરેજ તાલુકામાં છેલ્લા કેટલાંય સમયથી ભાજપના નેતાઓના અંદરો અંદર વિખવાદ ચાલી રહ્યા છે. જેને લઇ આ ગંદા રાજકારણનો ભોગ પ્રજા બની રહી છે. હાલમાંજ તાલુકામાં થયેલી 7 જેટલા તલાટીઓની તાલુકા બહાર બદલી પણ આ ગંદા રાજકારણને લીધે થઇ હોવાની ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે આ કારણે જ કોઈ અધિકારી તાલુકામાં આવવા તૈયાર નથી તેવુ જાણવા મળ્યુ છે.