સાયણ ગ્રામ પંચાયતે કચરો ફેંકતા બે લોકોને ઝડપી પાડી રૂપિયા 500-500નો દંડ ફટકાર્યો સુરત: સમગ્ર દેશ સહિત રાજ્યમાં હાલ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. સ્વચ્છતા અભિયાનને લઈને ઠેર ઠેર તંત્ર દ્વારા જન જાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. છતાં જાહેરમાં કચરો ફેંકી ગામ, નગર અને શહેર ગંદુ કરનાર લોકોને કંઈ ફરક ન પડતાં આખરે હવે ગ્રામ પંચાયત દ્વારા દંડ વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગ્રામ પંચાયત ટીમ દ્વારા વોચ:ઓલપાડ તાલુકાના સાયણ ગામે ત્રણ ચાર દિવસ અગાઉ મંત્રી મુકેશ પટેલે 7 બુલડોઝ, 25 ટ્રેકટર અને કાર્યકરો સાથે મેદાનમાં ઉતરી જાતે હાથમાં સાવરણો લઈને મેગા સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જાહેરમાં કચરો ફેંકતા લોકો વિરૂદ્ધ પંચાયતો કડક કાર્યવાહી કરે તેવા સૂચનો કર્યા હતા. જેને લઇને સાયણ ગ્રામ પંચાયત ટીમ દ્વારા રોજ અલગ અલગ વિસ્તારોમાં વોચ રાખવામાં આવી રહી છે.
જાહેરમાં કચરો ફેંકતા પહેલા ચેતી જજો જાહેરમાં કચરો ફેંકતા રંગેહાથ ઝડપાયા:સાયણ ગ્રામ પંચાયતની ટીમ વોચમાં હતી તે દરમિયાન સાયણ ઓલપાડ રોડ પર એક ખાણીપાણી લારીધારક ડ્રેનેજ લાઈનમાં કચરો નાખી રહ્યો તે દરમિયાન પંચાયત ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો અને સ્થળ પર 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સાયણના વિનોદ નગર ખાતે એક મહિલા રોડ પર કચરો ફેંકી રહી હતી. તેને પણ 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જાહેરમાં કચરો ફેંકતા લોકો વિરૂદ્ધ હાલ સાયણ ગ્રામ પંચાયતએ લાલ આંખ કરી છે.
500-500નો દંડ:સાયણ ગ્રામ પંચાયતના સરપંચ જીગ્નેશા ઠક્કરે જણાવ્યું હતું કે સ્વચ્છ અને સુંદર સાયણ ગામ બને તેવા અમારા પ્રયાસો છે. જાહેરમાં ગંદકી કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ બે લોકોને 500-500નો દંડ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે.
- તાપીમાં વિદેશી દારૂની નદી વહી, કરોડોના દારૂ પર જિલ્લા પોલીસનું રોડરોલર ફર્યું
- 45000 કરોડના ખર્ચે વીજ વાયરો અન્ડરગ્રાઉન્ડ કરાશે; વીજ ચોરી અટકવા સહિત મળશે આટલા લાભ