- તાલુકામાં 137 અને શહેરમાં 46 ટીમ સર્વે કામગીરીમાં જોડાઇ
- 50 વરસથી વધુ ઉંમરના તમામ અને 50 વર્ષથી નીચેના કોમોર્બિડ દર્દીઓનો સર્વે
- મતદાન યાદી અનુસાર મતદાન મથક દીઠ થઈ રહ્યો છે સર્વે
બારડોલી : ગુજરાતના આરોગ્ય વિભાગના પરિપત્ર અનુસાર બારડોલી શહેર અને તાલુકામાં ગુરુવારથી કોવિડ 19 રસીકરણના સંભવિત લાભાર્થીઓની સર્વે કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સૌ પ્રથમ 50 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિ તેમજ 50 વર્ષથી નીચેના કોમોર્બિડ વ્યક્તિઓની નોંધણી કરવામાં આવી રહી છે. ગત 8મી ડિસેમ્બર 2020ના રોજ આરોગ્ય કમિશ્નર ગાંધીનગરના પરિપત્ર અનુસાર સમગ્ર ગુજરાતમાં 10મી થી 13મી ડિસેમ્બર દરમ્યાન કોવિડ 19 રસીકરણ અંગેનો સર્વે શરૂ કરવાનું જણાવવામાં આવ્યું હતું. જે અનુસંધાને બારડોલી શહેર અને તાલુકાનાં તમામ ગામોમાં ડોર ટુ ડોર સર્વેની આજથી શરૂઆત કરવામાં આવી હતી.
સર્વેમાં 50 વર્ષથી ઉપર અને કોમોર્બિડ વ્યક્તિઓનો સમાવેશ
સર્વેમાં 50 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિ તેમજ 50 વર્ષથી નીચેની ઉંમરના કોમોર્બિડ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોમોર્બિડ એટલે કે, જેઓ ગંભીર બીમારી જેવી કે, હ્રદયરોગ, કિડની રોગ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, થેલેસિમિયા, સિકલસેલ એનીમિયા, એચઆઇવી, માનસિક વિકલાંગ, ડાયાબિટીસ કે, અન્ય જૂની ગંભીર બિમારી ધરાવતા લોકોનો સર્વે કરી યાદી તૈયાર કરવામાં આવશે.