સારોલી પાટીયા પાસે આવેલી રઘુવીર ટેક્સટાઈલ માર્કેટમાં વહેલી સવારે 3:30 કલાકે અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ આગ વધુ વિકરાળ બનતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. જેથી 60થી વધુ ગાડીઓ અને 200થી વધુ ફાયર ફાઈટરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. જેઓ પાણી મારો ચલાવીને આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ છેલ્લા 4 કલાકથી આગ બેકાબૂ છે. કારણ કે, ફાયર ટીમને બિલ્ડીંગના સ્ટ્રક્ચરના કારણે આગ ઓલવવામાં મુશ્કેલી થઈ રહી છે.
આ અંગે વાત કરતાં ફાયર વિભાગના મેજરે જણાવ્યું હતું કે, ઈમારતના સ્ટીલ સ્ટ્રક્ચરના કારણે 12 અને 13માં માળે આગ ઓલવવામાં તકલીફ થઈ રહી હતી. જેથી આગ વધુ પ્રસરી રહી છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પણ માર્કેટ બળીને ખાખ થઈ ગયું છે.
સુરતની રઘુવીર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ આમ, સુરત ફાયર વિભાગ સહિત ONGC અને અન્ય ઔદ્યોગિક એકમોના ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. સૌ સાથે મળીને લેંડર મશીન, બ્રાઉઝર મશીન, હાઇડ્રોલિક મશીનની મદદથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ માર્કેટનું સ્ટ્રક્ચર બહારથી કરવામાં આવ્યું હોવાથી આગ ઓલવવામાં ફાયર ટીમને મુશ્કેલી થઈ રહી છે. જેથી માર્કેટના સ્ટ્રક્ચરને સવાલ ઉઠી રહ્યાં છે. આ સાથે જ અગાઉ લાગેલી આગની તપાસ અંગે પણ તંત્ર પર ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે.
બીજી તરફ માર્કેટની દુુકાનમાં ACનું કોમ્પ્રેસર બ્લાસ્ટ થઈ રહ્યું હોવાની વિગત સામે આવી છે. જેના કારણે આગ વધુ વિકરાળ બની રહી છે, ત્યારે ફાયર વિભાગ માટે આગ પર કાબૂ મેળવાનું અઘુરું સાબિત થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, 10 દિવસ પહેલા પણ આ માર્કેટમાં આગ લાગી હતી. જેમાં બે દુકાનો બળીને ખાખ થઈ હતી. તેમ છતાં ટેક્સ્ટાઈલ માર્કેટના તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવાયા નહોતા. જેથી આજે આ મોટી દુર્ઘટના સામે આવી છે, ત્યારે સ્થાનિકોમાં માર્કેટની બેદરકારીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.