ચંદી પડવા પૂર્વે ઘારીની ખરીદી કરવા સુરતીલાલાઓની ભીડ - surati ghari
સુરત: સ્વાદિષ્ટ ઘારીની મજા માણવાનો દિવસ એટલે ચંદી પડવાનો અનેરો પર્વ. સુરતમાં મીઠાઈ વિક્રેતાઓને ત્યાં ઘારીનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. દેશ અને વિદેશમાં વખણાતી સુરતની ઘારીના જથ્થાબંધ ઓર્ડર મીઠાઈ વિક્રેતાઓને મળી રહ્યા છે. એડવાન્સ ઓર્ડરના પગલે મીઠાઈ વિક્રેતાઓ દ્વારા હોમ ડિલિવરી અને ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે. દર વખતની જેમ આ વખતે પણ સુરતીલાલાઓ માટે અલગ-અલગ વેરાયટીઝની ઘારીઓનું વેચાણ થઈ રહ્યુ છે.
એક તરફ મંદીની બુમરાણ છે, ત્યાં બીજી તરફ તહેવારોની સિઝન. તહેવાર કોઈ પણ હોય પરંતુ, સુરતીલાલાઓમાં મંદી વચ્ચે પણ તહેવારોની ઉજવણી કરવાનો અનેરો ઉત્સાહ હોય છે. તેમાં ખાસ કરીને જ્યારે ચંદી પડવાનો પર્વ હોય ત્યારે સૌ કોઈ પરિવાર સાથે ઘારી - ભૂંસાની જ્યાફત માણવાની તક છોડતા નથી. તેવામાં ઘારીના શોખીન સુરતીલાલાઓના મનગમતા તહેવાર ચંદી પડવા નિમિત્તે મીઠાઈની દુકાનો પર ઘારીનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. સુરતીલાલાઓના જણાવ્યા અનુસાર મંદી છતાં તેઓ આ પર્વને ઉજવવા ભારે ઉત્સુક છે. સહ - પરિવાર સાથે મળી ચંદી પડવાના પર્વને ફૂટફાટ પર બેસી ચાંદની રાતમાં ઘારી - ભૂંસાની જ્યાફત માણવા તેઓ ઘણા દિવસોથી આ પર્વની વાટ જોઈ રહ્યા છે. જેને લઈ એડવાન્સમાં જ ઘારીની ખરીદી કરી રહ્યા છે.