સુરતમાં મોબાઈલ ચાર્જ ખેંચતા બોર્ડનો તાર યુવકને અડી જતાં પ્રાણ પંખીડા ઉડી ગયા સુરત : માંગરોળ તાલુકાના માલવણ ગામની સીમમાં આવેલા કરજ ટેક્સટાઇલ પાર્કમાં પ્લોટ પાસે 19 વર્ષીય યુવકને કરંટ લાગતા મૃત્યુ થયું છે. કરજ ટેક્સટાઇલ પાર્કમાં પ્લોટ નં 24-25માં બાંધકામ થતું હોય. તેમાં કામ કરતા મૂળ બિહારના 19 વર્ષીય ક્રિષ્નકાંત કુમાર રજત રાત્રીના સમયે બાંધકામના પહેલા માળે મોબાઈલ ચાર્જમાં મુકતો હતો, ત્યારે તેમના ડાબા હાથની આંગળી પર આકસ્મિક રીતે કરંટ લાગતા સારવાર અર્થે કામરેજની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે કોસંબા પોલીસે તપાસ હાથ ધરી હતી.
રાત્રીના સમયે યુવક મોબાઈલમાં વાતચીત કરી રહ્યો હતો તે દરમિયાન મોબાઈલમાં ચાર્જ પૂરું થઈ જતાં તેઓ ચાલુ વાતચીતએ વીજ પાવરના બોર્ડમાં બેદરકારી પૂર્વક ચાર્જર ખેંચતા બોર્ડનો તાર યુવકને અડી ગયો હતો. જેથી યુવકને કરંટ લાગ્યો હતો. તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તેઓને મરણ જાહેર કર્યો હતો. - પેથાભાઈ (મોલવાણ વિસ્તારના બીટ જમાદાર)
નવસારીમાં ગતરોજ બે બાળકોને કરંટ : અન્ય બનાવની વાત કરીએ તો, ગતરોજ નવસારીના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બાજુમાં જ ચાલી રહેલા ટાઉનહોલના કામના સ્થળ પર બે વિદ્યાર્થીને વીજ કરંટ લાગ્યો હતો. એક વિદ્યાર્થીની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરની ગુનાહિત બેદરકારી દાખવવાના કારણે સમગ્ર ઘટના ઘટી હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
બાળકો કરંટ : નવસારી શહેરના વોર્ડ નંબર- 13માં દેવીનાપાર્ક સોસાયટીમાં કન્યા શાળા નં.3 આવેલી છે. આ શાળામાં અભ્યાસ કરતા 11 વર્ષીય નિલેશ દેવીપૂજક અને 12 વર્ષીય અર્જુન રાજુભાઈ સહિત અન્ય એક છાત્ર 2.15 ક્લાકે રિસેષમાં પાલિકાના ટાઉન હોલનું બાંધકામ ચાલતું હોય, ત્યાંથી જમવા માટે નીકળ્યા હતા. જ્યાં આશરે 15થી 17 ફૂટ જેટલી દરીયાઈ રેતીનો ઢગ હોય, તેના પર ચઢતા અચાનક રેતી સરકવા લાગતા બન્ને બાળકોએ રેતીના ઢગ પરથી પસાર થતી HT લાઇનને પકડી લેતા જોરદાર કરન્ટ લાગતા બાળકો શરીરે દાઝી થયા હતા.
બાળકો દાઝી ગયા : રેતીના ઢગ પરથી નીચે સરકી ગયા હતા. જ્યારે એક બક રેતીના ઢગ પર ચડી ન શકતા તેનો આબાદ બચાવ થયો હતો. સાઇટ પર કામ કરતા બે શ્રમજીવીઓએ બાળકોને કંઇક થયાની શાળામાં જાણ કરતા શિક્ષકો ઘટનાસ્થળે ધસી ગયા હતા અને બાળકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાંથી બાળકોને વધુ સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. કરંટને પગલે એક બાળક શરીરે 15 ટકા અને બીજો બાળક 57 ટકાથી વધુ દાઝી ગયા હોવાનું સિવિલના તબીબ માયા પટેલે પોલીસને જાણ કરી હતી.
- Hyderabad News: હૈદરાબાદમાં વીજ કરંટ લાગવાથી ત્રણ વિદ્યાર્થીઓના મોત
- Junagadh Accident : કેશોદમાં કાળજું કંપાવે તેવો અકસ્માત, એકટીવા ચાલક યુવતી ક્રેન નીચે આવી ગઈ