સુરત : હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે, ત્યારે એક એવી મહિલા શક્તિ અંગે આપને જણાવવા જઈ રહ્યા છે. જેણે મહિલાઓની આંતરિક શક્તિ કેટલી મજબૂત હોય છે અને તેના કારણે દરેક સિદ્ધિ મેળવી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. મલેશિયા ખાતે આયોજિત થનાર ફુલ આયર્નમેન ટ્રાયથ્લોન માટે પ્રેક્ટિસ દરમિયાન એક બાદ એક પાંચ ફ્રેક્ચર હોવા છતાં સુરતની મહિલા ડેન્ટિસ્ટ ડૉ. હેતલ તમાકુવાલાએ આ ઇવેન્ટમાં ભાગ લીધો અને આયર્નમેન ટ્રાયથ્લોનમાં દસમો ક્રમ હાંસલ કર્યો છે. એટલું જ નહીં આવી વિકટ પરિસ્થિતિમાં પણ 5 મહિનામાં 5 ઇવેન્ટ્સ જીત્યા છે.
ઉચ્ચ-પ્રદર્શન સહનશક્તિની સ્પર્ધા : આયર્ન વુમન તરીકે ગુજરાતમાં પોતાની ઓળખ સ્થાપિત કરનાર સુરતના ડો. હેતલ તમાકુવાલા ભારતની 9 મહિલાઓમાંથી સંપૂર્ણ આયર્નમેન ટ્રાયથ્લોન પૂર્ણ કરનાર પ્રથમ અને એકમાત્ર ડેન્ટીસ્ટ છે. આ એક ઉચ્ચ-પ્રદર્શન સહનશક્તિની સ્પર્ધા છે. જેમાં સમુદ્રમાં 3.8 કિ.મી. તરવું, 180 કિલોમીટર સાઇકલ અને 42 કિ.મી.ની દોડનો સમાવેશ થાય છે.
આખો દિવસ ચાલનારી આ સ્પર્ધા :45 વર્ષની ઉંમરે તેઓ પોતાના પ્રથમ પ્રયાસમાં જ 15 કલાક 40 મિનિટના વિક્રમી સમય અને આંતરરાષ્ટ્રીય 10માં ક્રમ સાથે આ સ્પર્ધા પૂરી કરી શક્યા હતા. તે ગુજરાતની માત્ર 2જી મહિલા છે, જે 40 વર્ષથી વધુ ઉંમરની છે, જેણે આ ઇવેન્ટને પૂરી કરી છે. તેમણે 5 નવેમ્બર, 2022 ના રોજ મલેશિયાના સત્તાવાર ફુલ-આયર્નમેન ટ્રાયથ્લોન લુંગકાવી ખાતે આ સિદ્ધિ હાંસલ કરી હતી. આખો દિવસ ચાલનારી આ સ્પર્ધામાં બપોરના આકરા તડકાથી માંડીને દરિયાનું પાણી, જેલીફિશના ડંખ, ભેજવાળું વાતાવરણ, બદલાતી ઊંચાઈઓ અને ભારે પવનો સુધીનું બધું જ હોય છે. તેઓ 45 વર્ષના છે અને ફુલ-ટાઇમ ડેન્ટલ પ્રેક્ટિશનર, કુશળ કેનવાસ અને સ્કેચ આર્ટિસ્ટ અને બે બાળકોની માતા છે. તે દરરોજ સવારે 4 વાગ્યાથી પ્રેક્ટિકસ કરે છે.
રૂલ-ઓફ-7 :આયર્ન-મેનનું બિરુદ હાંસલ કરવું એ નિયમિત સઘન તાલીમ છે. 5 ફ્રેક્ચર જેમાં જમણી હાંસડીનું ફ્રેક્ચર, નાકનું હાડકું ફ્રેક્ચર, જમણા પગનું ફ્રેક્ચર, બે વાર હથેળીના હાડકાં ફ્રેકચર થયા છે. વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા અને પરિવાર અને કોચ તરફથી સતત સહાય સાથે લાંબી મજલ હતી. ડો. હેતલ તમાકુવાળા જણાવ્યું હતું કે, રૂલ-ઓફ-7 એટલે કે ક્લિનિકલ પ્રેક્ટિસના 7 કલાક, તાલીમના 7 કલાક, દિવસમાં 7 કલાકની ઊંઘ, સમર્પણ અને શિસ્ત આયર્નમેન બનાવે છે.
પાંચ મહિનામાં ક્યાં પાંચ ઇવેન્ટ જીત્યા?
- 2 ઓક્ટોબર 2022ના રોજ કોહલાપુર લોહપુરૂષ અર્ધ-આયર્નમેન ટ્રાયથ્લોન બીજું ઇનામ
- 5 નવેમ્બર 2022ના રોજ ફુલ-આયર્નમેન ટ્રાયથ્લોન લુંગકાવી, મલેશિયા ખાતે15 કલાક 40 મિનિટમાં. પહેલા પ્રયાસમાં ફિનિશર
- 13 નવેમ્બર 2022ના રોજ ગોવા હાફ-આયર્નમેન ટ્રાયથ્લોનમાં બીજું ઇનામ
- 1 જાન્યુઆરી 2023 ના રોજ ગુરુશીખર ચેલેન્જ મહેસાણાથી માઉન્ટ આબુથી ગુરુશિખર સુધી 183 કિ.મી.ની અપહિલ સાયકલ ચલાવવી. પહેલું ઇનામ
- 25 ફેબ્રુઆરી 2023 કોણાર્ક હર્ક્યુલિયન ફુલ-આયર્નમેન ટ્રાયથ્લોનમાં પહેલું ઇનામ