એક જ ગામના ત્રણ યુવકોનું મોત સુરત:સુરતના ધોરણ પારડી ગામની સીમમાં સર્જાયેલ અકસ્માતની ઘટનામાં એક ગામના ત્રણ યુવકોના મોત થયા છે. મળેલી માહિતી અનુસાર સામેથી આવતી કારના ચાલકે અડફેટે લેતાં બાઈક પર સવાર ત્રણ યુવાનો મોતને ભેટ્યા હતા. મૃતકો માંડવીના ગોદાવાડી ગામે ખુણા ફળિયાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
'ઘટનાની જાણ થતા જ અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટનામાં ત્રણ યુવકોના મોત થયા છે.ગોદાવરી ગામના ઈશ્વર ભાઈ પટેલની ફરિયાદના આધારે હાલ તપાસ શરૂ છે.' -નરેશ ભાઈ, બીટ જમાદાર
નોકરી પરથી છૂટીને ઘરે આવતી વખતે બની ઘટના: માંડવીના ગોદાવાડી ગામે ખુણા ફળિયામાં રહેતા વિપુલ પટેલ (ઉં.વ.30) ગામમાં જ રહેતા અજિત ઉક્કડ ચૌધરી (ઉં.વ.30) તથા કાર્તિક જસવંત પટેલ(ઉં.વ.25) સાથે સાયણ ખાતે આવેલ વની ટેક્સટાઈલ્સમાં હેલ્પર તરીકે નોકરી કરતા હોવાથી સવારે 8 કલાકે ગોદાવાડીથી વિપુલ પોતાની હિરો સ્પ્લેન્ડર બાઈક નં.(જીજે 05જી એફ 8434) લઈ મિત્રો સાથે નોકરી પર આવ્યો હતો. નોકરી પરથી છૂટ્યા બાદ ત્રણેય મિત્ર બાઈક લઈ ઘરે જઈ રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી.
ત્રણેય યુવાનોનું મોત:કામરેજના ધોરણપારડીની હદમાં ઘલા પાટિયાથી બૌધાન જતા રોડ પર સારથી પેટ્રોલ પંપની પાસે સામેથી આવતી મહિન્દ્રા બોલેરોના ચાલકે બાઈક પર સવાર ત્રણેય મિત્રને અડફેટે લેતાં વિપુલને માથા તેમજ હાથપગે ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અજિત અને કાર્તિકને પણ ગંભીર ઈજા થતાં 108માં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જતાં અજીતને પણ તબીબે મૃત જાહેર કર્યો હતો. કાર્તિકનું ટૂંકી સારવાર દરમિયાન સાંજે મોત થયું હતું. બોલેરો ગાડી રોડની સાઈડમાં આવેલી ગટરમાં ઊતરી ગઈ હતી અને દીવાલ સાથે અથડાઈ ગઈ હતી. આમ, એક જ ગામના ત્રણેય યુવાનનાં મોત નીપજતાં ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ ઘટનામાં બોલેરોનો ચાલક નાસી છૂટ્યો હતો.
પરિવારમાં ગમગીની: મળેલી માહિતી અનુસાર વાન ખરાબ થઈ જતા બાઇક ઉપર નોકરીએ ગયા હતા. ત્રણેય મિત્રો વિપુલની મારુતિ વાનમાં જ અવરજવર કરતા હતા. વાનમાં ખરાબીના કારણે આજે જ બાઈક પર આવતાં આ દુઃખદ ઘટના બની ગઈ હતી. કાર્તિકનાં લગ્ન ત્રણ માસ અગાઉ જ થયાં હતાં. અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ યુવાનમાં વિપુલ અપરિણીત છે. જ્યારે અજિત પરિણીત છે અને ત્રણ સંતાનનો પિતા છે તો કાર્તિકનાં લગ્ન ત્રણ માસ અગાઉ જ થયાં હોવાનું ઘટના સ્થળેથી જાણવા મળ્યું હતું.
- Vadodara Accident News: કરજણ નેશનલ હાઇવે ૪૮ ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત, બે વ્યક્તિના મોત
- Ahmedabad Accident: મકરબામાં મોટી હોનારત, દિવાલ ધરાશાયી થતા એકનું મોત