ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની 'આરસેપ' સંદર્ભે મિટીંગ મળી, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને 'આરસેપ'માંથી દૂર રાખવા સરકારને રજૂઆત કરાશે - latest news of surat

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘આરસેપ’ની ચર્ચા કરવા માટે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનાં આગેવાનો સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનાં વિવિંગ, નીટિંગ, સ્પીનર્સ, પ્રોસેસિંગ અને ગારમેન્ટીંગ સેકટરનાં પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મુંબઇ, ભીવંડી, માલેગાંવ, ઇચ્છલકરંજી અને અમદાવાદ ખાતેથી વિવિધ પાવરલૂમ્સ એસોસિએશનના પ્રતિનિધીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મિટીંગમાં ઉપસ્થિત સર્વેએ આરસેપથી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ભય હોવાનો મત વ્યકત કરી આરસેપથી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને દૂર રાખવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાનુ નકકી કરવામાં આવ્યુ હતુ.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મિટીંગ

By

Published : Oct 16, 2019, 9:57 PM IST

ચેમ્બરના પ્રમુખ કેતન દેસાઇએ સર્વેને આવકાર્યા હતા અને જણાવ્યુ હતુ કે ટેક્ષ્ટાઇલ, ડેરી, એગ્રી, ફાર્માસ્યુટીકલ, પેપર અને હેવી ઇન્ડસ્ટ્રીને આરસેપને કારણે થનાર નુકસાન વિશે સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરવામાં આવશે. તેમણે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના દરેક સેકટરના આગેવાનોને સૂચનો આપવા માટે અનુરોધ કર્યો હતો. ભીવંડી પાવરલૂમ એસોસિએશનના પુનીત ખીમસીયાએ જણાવ્યું હતું કે, ભારત નવેમ્બર 2019માં 15 જેટલા દેશો આરસેપ અંગેનો કરાર કરવા જઇ રહી છે. આ દેશોમાં ચાઇનાનો પણ સમાવેશ થાય છે. ચાઇના ખૂબ જ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો ભારતમાં ડમ્પ કરશે. જેની માઠી અસર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની આખી ચેનલ ઉપર પડશે. આદિત્ય બિરલા ગૃપમાંથી કિરણ પંડયાએ જણાવ્યું હતું કે, આરસેપ કરાર થતાંની સાથે જ સરકારનાં મેક ઇન ઇન્ડીયા પ્રોજેકટને પણ ગંભીર અસર થશે.

ચેમ્બરના ભુતપુર્વ પ્રમુખ તેમજ ફિયાસ્વીના ચેરમેન ભરત ગાંધીએ જણાવ્યુ હતુ કે, સરકાર વિશ્વ કક્ષાએ સર્વિસ ઇન્ડસ્ટ્રી પ્રોવાઇડ કરવાની વાત કરે છે પણ બિઝનેસ જ નહીં ચાલે તો સર્વિસ કોણ લેશે? આથી ડેટા એકત્રિત કરીને સરકાર સુધી ફરીથી પહોંચાડીને અસરકારક રજૂઆત કરવી પડશે. રજનીકાંત બચકાનીવાલાએ જણાવ્યુ હતુ કે, આરસેપમાંથી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને દૂર રાખવા માટે કોમ્પ્રીહેન્સીવ ડેટા સરકારને આપવો પડશે. સરકાર પાસે આરસેપ માટે સમય વધારાની માંગ કરી શકાય છે. એસઆરટીઇપીસીના શ્રીનારાયણ અગ્રવાલે જણાવ્યુ હતુ કે, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના બધા સેકટરોએ સંગઠીત થઇને સરકારને આરસેપમાંથી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને દૂર રાખવા માટે તેમજ ડી કેટેગરીમાં રાખવા માટે રજૂઆત કરવી પડશે.

અમદાવાદના હિતેન ઠક્કરે જણાવ્યુ હતુ કે, આરસેપ એ સર્વિસ, મેન્યુફેકચરીંગ અને ટ્રેડર્સ સહિત ઘણી સુવિધાઓનુ એક કોમન પ્લેટફોર્મ છે. સરકારના ફાયદામાં ઇન્ડસ્ટ્રીને નુકસાન થઇ રહયુ છે તે અંગે સરકારશ્રીનું ધ્યાન દોરવુ પડશે. સરકાર શા માટે આરસેપ કરાર કરવા માંગે છે તે સરકાર પાસે સમજવુ પડશે. મુંબઇથી હિન્દુસ્તાન ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધી અનુરાગ પોદ્દારે જણાવ્યુ હતુ કે ભારતમાં ડોમેસ્ટીક માર્કેટ ખૂબ જ મોટું છે. આથી આરસેપ કરાર કરવાની કોઇ જરૂરિયાત ભારતને ન હોવી જોઇએ. ઇન્ડસ્ટ્રી જે ઉત્પાદન કરે છે તેના માટે ભારતમાં જ મોટું માર્કેટ છે. પાંડેસરા વિવર્સ એસોસિએશનના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યુ હતુ કે, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સ્થપાયેલી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને આરસેપથી ભારે નુકસાન થશે. જેને કારણે ઇન્ડસ્ટ્રી બંધ થવાનો ભય પણ તેમણે વ્યકત કર્યો હતો.

સુરતમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની 'આરસેપ' સંદર્ભે મિટીંગ મળી, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને 'આરસેપ'માંથી દૂર રાખવા સરકારને રજૂઆત કરાશે

ABOUT THE AUTHOR

...view details