સુરતઃ શહેરના ખટોદરા વિસ્તારમાં પ્રેમિકા પર પ્રેમી દ્વારા ફરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. માતા સાથે જઈ રહેલી પ્રેમિકાને ભરબજારે આંતરીને પ્રેમીએ ગળાના ભાગે છરી હુલાવી દીધી છે. આ જીવલેણ હુમલામાં પ્રેમિકાની સ્થિતિ ગંભીર છે અને હાલ સારવાર હેઠળ છે.
સમગ્ર ઘટનાક્રમઃ છેલ્લા 3 વર્ષથી વિષ્ણુ વસાવા અને તેની પ્રેમિકા વચ્ચે પ્રેમ સંબંધ હતો. જ્યારે છેલ્લા દોઢ વર્ષથી બંને જણા એક સાથે જ રહેતા હતા. વિષ્ણુએ પ્રેમિકાને તેના વતન જવા માટે વાત કરી હતી. પ્રેમિકાએ વતન જવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. વિષ્ણુ પ્રેમિકાને વતન લઈ જવા મક્કમ હતો. તે વારંવાર પ્રેમિકાને વતન જવા માટે દબાણ કરતો હતો. આ વાત પર બંને જણ વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. છેલ્લી વાર થયેલા ઝઘડાને લઈને વિષ્ણુ ગુસ્સાની હદ પાર કરી ગયો હતો. પ્રેમિકા પણ આ ઝઘડાથી કંટાળીને પોલીસ ફરિયાદ કરવા માટે તેની માતા સાથે જઈ રહી હતી. ખટોદરાના રાયકા સર્કલ પાસેથી જ્યારે પ્રેમિકા તેની માતા સાથે પસાર થતી હતી ત્યારે વિષ્ણુએ પ્રેમિકાને ભરબજારે આંતરી હતી. ઝઘડો કર્યા બાદ વિષ્ણુએ પ્રેમિકાના ગળાના ભાગે છરી હુલાવીને જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસને ખબર મળતા જ પોલીસ કાફળો ઘટના સ્થળે ધસી ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે યુવતિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી છે. જીવલેણ હુમલા બાદ યુવતિની સ્થિતિ ગંભીર છે. વિષ્ણુ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.