સુરત : વિદ્યાર્થીઓમાં ગણિત વિષયને લઈને એક ફોબિયા જોવા મળતો હોય છે. ગણિતના સવાલોમાં તેમને મૂંઝવણ પણ થતી હોય છે અને મોટાભાગે જોવા મળે છે કે વિદ્યાર્થીઓના માર્ક્સ ગણિતમાં ઓછા આવે છે, પરંતુ ગણિત પ્રત્યે જે તેમનો ભય છે એ કાઢવા માટે સુરતના સર VTD ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય મનીષા મહિડાએ ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જેના થકી હવે વિદ્યાર્થીઓ નૃત્ય અને ગીતના માધ્યમથી ગણિત શીખી શકશે. આ માટે ખાસ ગીત પણ તૈયાર કરવામાં આવ્યું છે.
ગણિતને લઈને શું છે પ્રોજેક્ટ : સુરતના સર VTD ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય મનીષા મહિડા દ્વારા એક ખાસ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટને ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં યોજવામાં આવનાર રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં પસંદગી થઈ છે. આ પ્રોજેક્ટ આચાર્ય મનીષા એ એવા વિદ્યાર્થીઓ માટે તૈયાર કર્યું છે. જે ગણિત વિષયને લઈને મૂંઝવણમાં હોય છે અથવા તો ભય હોય છે. જ્યારે વાત ગણિતની આવે ત્યારે વિદ્યાર્થીઓ તેના ચિન્હોને લઈ ગેરસમજમાં મુકાઈ જતા હોય છે. તેમની ગેરસમજને જોતા આચાર્ય મનીષાએ ધોરણ 9 અને 10ની વિદ્યાર્થીઓને આવરી લઈ ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓ નૃત્ય અને ગીતના માધ્યમથી સરસ સહેલાઈથી ગણિત સમજી શકશે.
પરિણામ 33 ટકા વધુ જોવા મળ્યું :સામાન્ય રીતે ક્લાસના દ્રશ્યો જોઈને આપને લાગશે કે ક્લાસમાં ગીત અને સંગીતનો વિષય ચાલી રહ્યો છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આ ગીત કે સંગીતનો નહીં પરંતુ ગણિત શીખવા માટેનો વિષય છે. તો ચોક્કસથી તમે આશ્ચર્યમાં મુકાઈ જશો. પરંતુ એકવાર સાંભળીને જાણી જશો કે વિદ્યાર્થીઓ નૃત્ય અને ગીતના માધ્યમથી ગણિતના કઠિન ચિહ્નો સહેલાઈથી શીખી રહ્યા છે. આ પ્રયોગ માટે પહેલા આચાર્ય મનીષાએ વિદ્યાર્થીઓને 28 દિવસમાં ગીતનો પુનરાવર્તન કરાવ્યું હતું, ત્યારબાદ જ્યારે પરીક્ષા લેવામાં આવી, ત્યારે પરિણામમાં 59.44 ટકાનો સુધારો પણ જોવા મળ્યો હતો. 1400માંથી 1332 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ 33 ટકા વધુ જોવા મળ્યું હતું. આચાર્ય મનીષાના મોડલના કારણે પરિણામમાં 45.6 ટકાનો નૃત્ય ગીતનો ઉપયોગ પછી વધારાના 13.84 ટકાનો સુધારો જોવા મળ્યો હતો.
બાળકોને નૃત્ય અને સંગીતમાં રુચિ :આચાર્ય મનીષા મહિડાએ જણાવ્યું હતું કે, તમે લોકો જાણો છો કે કોરોના કાળમાં જે વિદ્યાર્થીઓને ગાઈડન્સ મળવું જોઈતું હતું તે મળી શક્યું ન હતું. ખાસ કરીને ગણિતના ચિન્હોને લઈ અને તેમના સવાલોના હલ તેવો કરી શકતા નહોતા. આ અંગે અમને જાણકારી મળી અને ખાસ કરીને ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ સવાલ હલ કરી શકતા નહોતા .જેથી હું વિચાર્યું કે કશું યુનિક કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને ગમે અને તેઓ શીખી શકે.