સુરત: ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને ભારતીય હોવાનો પુરાવો બનાવીને આપનાર પાંચ જેટલા આરોપીઓની સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે. એક દિવસ પહેલા એસ.ઓજીએ એક બાંગ્લાદેશીની ધરપકડ કરી હતી. જેમાં તેની પાસેથી આધાર કાર્ડ મળતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન એસઓજીને મોટી સફળતા મળી છે. એક કે બે નહીં પરંતુ અનેક ગેરકાયદેસર રીતે સુરત આવેલા બાંગ્લાદેશીઓને આરોપીઓએ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાનકાર્ડ બનાવીને આપ્યા છે જે અંગેની તપાસ એસઓજીએ હાથ ધરી છે.
Surat SOG: બોગસ ડોક્યુમેન્ટના આધારે બાંગ્લાદેશીઓને ભારતીય નાગરિક બનાવનાર 5 લોકોની ધરપકડ
સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ બોગસ ડોક્યુમેન્ટ બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ તમામ આરોપીઓ બાંગ્લાદેશીઓ તથા જે લોકો પાસે કોઈપણ પ્રકારના ઓળખના પુરાવા ન હોય આવા વ્યક્તિઓના બોગસ પાનકાર્ડ આધારકાર્ડ ચૂંટણીકાર્ડ તેમજ જન્મનો દાખલો બનાવી તેમને ભારતીય નાગરિક બનાવી દેતા હતા. જે મામલે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
" સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાંચ આવા લોકોની ધરપકડ કરવામાં આવી છે કે જે બોગસ ભારતીય આધારકાર્ડ સહિત ચૂંટણી કાર્ડ અને પાનકાર્ડ સહિતના દસ્તાવેજો બનાવીને આપતા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ એક બાંગ્લાદેશીને પણ આધાર કાર્ડ બનાવીને આપ્યા છે. સોફ્ટવેરની મદદથી એડિટિંગ કરી આ લોકો બનાવટી દસ્તાવેજ બનાવતા હતા. " - અજય તોમર, પોલીસ કમિશનર
બોગસ ડોક્યુમેન્ટને આધારે ભારતીય નાગરિકતા: સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 32 વર્ષીય આમદ ખાન, 40 વર્ષીય મહેબુબ શેખ, 27 વર્ષીય નૂર સૈયદ, 35 વર્ષીય વસીમ શેખ અને 25 વર્ષીય સકલેન પટેલ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ સુરત શહેરના પુના ઉમરવાડા ખાતે આવેલા સંજયનગરમાં ગુલશન - એ રઝા મસ્જિદની પાસે એ.કે મોબાઈલ નામની દુકાન ધરાવતા હતા. આ લોકો આ દુકાનમાં જે વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારના પુરાવા ન હોય તેવા લોકોને અને ખાસ કરી બાંગ્લા દેશીઓને કોમ્પ્યુટર અને લેપટોપના માધ્યમથી ડુબ્લીકેટ ઓળખના પુરાવા બનાવીને આપતા હતા. એસઓજીના પોલીસ કર્મીઓ ડમી ગ્રાહક બનીને આરોપીઓ પાસે ગયા હતા. ત્યારબાદ ગેરકાયદેસર પ્રવૃત્તિના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
348 લોકોના ફોટા પણ મળી આવ્યા:આરોપી પાસેથી જે બોગસ કાગળ અને દસ્તાવેજો મળી આવ્યા છે તે ચોકાવનારા છે. આ લોકો પાસેથી 163 ડમી આધાર કાર્ડ , 44 ડમી કાર્ડ, 169 ચૂંટણી કાર્ડ, 85 જન્મના દાખલા, 11 ઇન્કમટેક્સ ઇ- ફાઈલિંગ સ્લીપ, 43 લાઈટ બિલ, પાંચ પ્રોપર્ટી ટેક્સ બિલ, 1 આંખ સ્કેન કરવાનું મશીન, ક્રોજન ફિંગર મશીન, સીપીયુ, મોબાઇલ લેમિનેશન મશીન, લેપટોપ સહિત કમ્પ્યુટર જપ્ત કર્યા છે. અગત્યની વાત છે કે આ લોકો પાસે આશરે 348 લોકોના ફોટા પણ મળી આવ્યા છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે કેટલા બાંગ્લાદેશીઓના આ લોકોએ આધાર કાર્ડ સહિત ઓળખ કાર્ડ બનાવ્યા છે.