આગના પગલે સિલ્ક મિલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આગની ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી હતી. સિલ્ક મિલમાં ફાયર સેફટીની કોઈ પણ સુવિધા ઉપલબ્ધ ન હોવાના પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જ્યાં તંત્ર દ્વારા મિલ માલીકને નોટિસ ફટકારવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.
સુરતની સિલ્ક મિલમાં ભીષણ આગ, 25 ફાયર ફાઇટર ઘટના સ્થળે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મયુર સિલ્ક મિલ મળસ્કેમાં સાડા 4:30 કલાકે ભીષણ આગ લાગી હતી .આગની જાણકારી સુરત ફાયર વિભાગને મળતાં શહેરના અલગ-અલગ ફાયર મથકોની ગાડીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ફાયર દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો. ભીષણ આગની ઘટનાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મિલમાં રહેલ કેમિકલ અને યાર્નના જથ્થાના કારણે આગ વધુ વિકરાળ બની હતી.
આગને બુઝાવવા માટે ફાયર વિભાગની 25 જેટલી ગાડીઓ સહિત ફાયરના 100 જેટલા જવાનો કામે લાગ્યા હતાં. ઘટના બાદ સુરત ફાયર વિભાગના ચીફ ઓફિસર તેમજ મનપાના ડેપ્યુટી કમિશ્નર સહિતના અધિકારીઓ પણ સ્થળે દોડી આવ્યા હતા. જોકે આ ઘટનામાં મિલમાલિકની પણ ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે, ત્યાં ફાયર વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. ફાયર વિભાગના અધિકારીએ જાતે આ વાતની પૃષ્ટિ કરી છે કે મિલમાં કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટી ઉભી કરવામાં આવી નથી. જેથી ફાયર દ્વારા મિલ માલિકને નોટીસ બજાવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઘટના સ્થળે દોડી આવેલ ફાયરના મોટા કાફલા એ આશરે ચારથી-પાંચ કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આગ પર કાબુ મેળવી લેવાતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ભીષણ આગની ઘટનાના પગલે DGVCL દ્વારા સમગ્ર જીઆઇડીસી વિસ્તારમાં પાવર સપ્લાય બંધ કરી દેવાયો હતો. જ્યાં મિલમાં લાગેલી આગ પર કાબુ મેળવવા ચારે તરફથી ફાયરના જવાનો દ્વારા પાણીનો સતત ફોમ ચલાવવામાં આવ્યો હતો. ભીષણ આગની ઘટનામાં લાખોના નુકશાનનો અંદાઝો પણ સેવાઇ રહ્યો છે.
સુરત ફાયર વિભાગ દ્વારા શહેરમાં આવેલ મોલ, કોમ્પ્લેક્ષ સહીત શોપિંગ સેન્ટરોમાં ફાયર સેફટી મુદ્દે સતત ચેકીંગ હાથ ધરી નોટિસ પાઠવવામાં આવી રહી છે. જે સંસ્થાઓ ફાયર સેફટી મુદ્દે ઉદાસીન વલણ દાખવી રહી છે, તેવી સંસ્થાઓને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ ફાયર વિભાગ જાણે પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ડાઈગ મિલોને છાવરી રહી હોય તે પ્રમાણેની માહિતી હાલ સપાટી પર આવી રહી છે. ફાયર વિભાગ જો શિલિંગની કાર્યવાહી કરી રહી છે, તો પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી અસંખ્ય ડાઈગ મિલોમાં તપાસ શા માટે કરી રહી નથી. તે એક મોટો સવાલ હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.