સુરત :દેશભરમાં ભગવાન શનિદેવના અનેક મંદિરો છે, પરંતુ ગુજરાતમાં એકમાત્ર કહી શકાય એવું મંદિર છે કે જ્યાં શનિદેવ પોતાની આઠ પત્નીઓ સાથે બિરાજમાન છે. સુરત શહેરના ભટાર સ્થિત આ મંદિરની ખાસિયત છે કે, અહીં મહિલાઓ પણ શનિદેવની પૂજા અર્ચના અને તેલ અર્પણ કરી શકે છે, કારણ કે અહીં તેમની આઠ પત્નીઓ બીરાજમાન છે. કહેવાય છે કે, જો કોઈ વ્યક્તિને સાડાસાતી અને ઢૈય્યાની પીડાથી મુક્તિ જોઈએ તો શનિદેવની આ આઠ પત્નીઓની પૂજા અર્ચના કરવી જોઈએ.
શનિદેવની આઠ પત્ની : શનિદેવને કળિયુગના ન્યાયના દેવતા તરીકે લોકો પૂજતા હોય છે. શનિદેવને અત્યંત ક્રોધી પણ માનવામાં આવે છે. જો તેઓ કોઈની પર ક્રોધિત થઈ જાય તો વ્યક્તિના જીવનના બની રહેલા કામો પણ બગડી જાય છે. જોકે ધાર્મિક માન્યતા છે કે તેમની આઠ પત્નીઓ છે અને તેમનું નામ જપવાથી જીવનમાં આવનાર મોટાથી મોટા સંકટો પણ દૂર થઈ જાય છે. સામાન્ય રીતે કોઈપણના મંદિરમાં શનિદેવ એકલા જ જોવા મળે છે.પરંતુ સુરતના મહાલક્ષ્મી મંદિરની અંદર શનિદેવ પોતાની આઠ પત્ની ધ્વજિની, ધામીની, કલહપ્રિયા, કંકાલી, તુરંગી, કંટકી, મહેશી અને અજા સાથે બીરાજમાન છે. કહેવાય છે કે શનિદેવને પ્રસન્ન કરવા માટે તેમની આ આઠ પત્નીઓના નામના સ્મરણ માત્રથી તમામ કષ્ટો દૂર થઈ જાય છે.
આ ગુજરાતનું એકમાત્ર મંદિર કહી શકાય, કારણ કે અન્ય મંદિરોમાં શનિદેવ એકલા જોવા મળે છે. જોકે સાઉથના એક મંદિર અને છત્તીસગઢના એક મંદિરમાં શનિદેવ પત્ની સાથે બિરાજમાન છે. ત્યાંથી અમને પ્રેરણા મળી કે અમે પણ શનિદેવ ભગવાનની જ્યારે સ્થાપના કરીશું, ત્યારે તેમની સાથે તેમની આઠ પત્નીઓની પણ સ્થાપના કરવામાં આવશે. જેથી ભક્તોનું કલ્યાણ થાય.- ભરતમુનિ ભારતીય ( મંદિરના પૂજારી)
સાડાસાતી અને ઢૈય્યાની પીડાથી મુક્તિ :વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, શનિ મહારાજની પત્નીઓ અંગે સૂર્ય પુરાણ, શનિદેવ પુરાણમા ઉલ્લેખ છે. ધાર્મિક કથાઓ અનુસાર શનિદેવ જ્યારે તપસ્યામાં હતા. તેમની આ આઠ પત્ની સેવા માટે ગઈ હતી. આ તમામ પત્નીઓએ સેવા માટે પ્રાર્થના કરી હતી, પરંતુ તે સમયે શનિદેવ તપસ્યામાં હતા. જેથી તેઓ તેમની વાતો પર ધ્યાન આપી શક્યા નહિ. જ્યારે તપસ્યા પૂર્ણ કરીને તેઓ ઉઠ્યા ત્યારે તેમની આઠ પત્નીઓ ક્રોધિત થઈ ગઈ અને કહ્યું કે, તમે અમારી પર ધ્યાન નથી આપ્યું ,હવેથી તમે કોઈને પણ જોશો તો તમારા પ્રકોપથી તે બચી શકશે નહીં. આ વાતથી શનિ મહારાજ દુઃખી થયા ,તેઓએ કહ્યું જે થવાનું હતું તે થઈ ગયું છે. હવેથી જે તમારી સેવા કરશે અને પૂજા પાઠ કરશે તો મારી સાડાસાતી અને ઢૈય્યાની પીડાથી મુક્તિ મળશે.