સુરત : પોતાના વાહન માટે મનપસંદ નંબર લેવા માટે સુરતીઓ ગમે તેટલા પૈસા ખર્ચી નાખતા હોય છે. આવું કેટલીય વાક સુરતના RTOમાં જોવા મળતું હોય છે. ત્યારે સુરતના એક કાર માલિકે 50 લાખની BMW કારના પસંદગીના 1 નંબર માટે 9.85 લાખ રૂપિયા RTOમાં ચૂકવ્યા હતા. આવી જ રીતે અલગ અલગ નંબર મેળવવા માટે સુરતીઓએ લાખો રૂપિયા ખર્ચ કર્યા છે.
પસંદગીના નંબરો માટે હરાજી : દરેકના પોત પોતાના અલગ શોખ હોય છે અને તેમાં પણ જ્યારે વાત આવે પોતાના મનપસંદ નંબર અથવા લકી નંબરની ત્યારે સુરતીઓ પાછી પાની કરતા નથી. સુરતમાં ઘણા એવા લોકો છે કે જેઓને અલગ અલગ હાઈફાઈ કારનો શોખ છે. આવા જ હાઈફાઈ કારના શોખીનો પોતાના મનપસંદ નંબર પણ લેતા હોય છે. RTOમાં VVIP નંબર અને પસંદગીના નંબર માટે હરાજી થતી હોય છે અથવા ઘણા લોકો મનપસંદગીના નંબર માટે નાણા પણ ચૂકવતા હોય છે. જેમાં ટેક્સટાઈલ જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા એક કાર માલિકે પોતાના પુત્રની જીદ પૂરી કરવા માટે પોતાના પુત્રના મનપસંદ નંબર 0001 માટે 9,85,000 ચૂકવ્યા હતા.
હરાજીમાં 49.51 લાખ રૂપિયાની આવક : જ્યારે અન્ય એક કાર ચાલકે મનપસંદ નંબર 0009 માટે 3,50,000 ચુક્યા હતા. આમ, સુરત RTOની કાર અને ટુ વ્હીલરની નવી સિરીઝની અને પસંદગીમાં નંબરની હરાજીની 49.51 લાખ રૂપિયાની આવક થઈ હતી. દર વર્ષે આવી જ રીતે RTOને નવા નંબર માટે થનાર હરાજીમાંથી લાખો રૂપિયાની આવક થતી હોય છે. આ વખતે ત્રણ એવા નંબર હતા. જેની માટે કાર માલિકોએ લાખો રૂપિયા ખર્ચ્યા છે.
RTO દ્વારા નવી પસંદગીનો નંબર લેવા માટે સિરીઝ ખુલ્લી મુકાઈ હતી. સુરત શહેરમાં મોટી સંખ્યામાં કાર માલિકોએ ઓનલાઇન અરજી RTOમાં કરી હતી. કુલ 530થી પણ વધુ વાહન ચાલકો દ્વારા ઓનલાઇન અરજી કરાઈ હતી. જેમાંથી 499 વાહન માલિકોને નંબર મળ્યા હતા. 0001 નંબર લેવા માટે BMWના માલિકે 9.85 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. - આકાશ પટેલ (RTO કચેરીના ઇન્ચાર્જ)