સુરત :સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત સિટીના રસ્તા પર બેસી ગયેલી ટ્રેન્ચ, તૂટેલા ગટરના ઢાંકણા અને ગટરના ઉપસેલા ઢાંકણા અકસ્માત માટે કારણભૂત બની રહ્યા છે. અનેક જગ્યાએ ગટરના ઢાંકણા તૂટી ગયેલા છે. તો ક્યાંક રોડના લેવલથી એકદમ ઉંચા બનાવી દેવામા આવ્યા છે. જેને કારણે શહેરમાં વાહન ચાલકોને અકસ્માતનું ભય સતાવી રહ્યું છે. તો બીજી બાજુ સ્થાનિકો અકસ્માત રોકવા માટે વૃક્ષની ડાળી કે અન્ય વસ્તુ મૂકીને લોકોને ચેતવણી આપી રહ્યાં છે.
અહીં મોટો ખાડો પડી ગયો છે અને આવા જવામાં તકલીફ પડે છે. તે ઉપરાંત ટ્રાફિક જામ થાય છે. એના કરતા પાલિકા દ્વારા તેનું રીપેરીંગ કામ કરી ઢાંકણું મૂકી દેવું જરૂરી છે. છેલ્લા સાત દિવસથી આ સ્થિતિ જોવા મળી રહી છે. અહીં અમે લોકોએ જ તૂટેલી ગટરની જગ્યાએ ઝાડના ડાળકીઓ મુકવામાં આવ્યા છે. જેથી કરીને લોકોને દેખાય. - વાહન ચાલક
જીવલેણ અકસ્માત થવાની શક્યતા :આવી સ્થિતિ હોવા છતાં હજી પાલિકા તંત્ર પહોંચ્યું નથી. આવા સમય દરમિયાન જો ફાસ્ટ બાઈક આવે અને આ ઢાંકણામાં પડે તો તે ફંગોળાઈ શકે અને અકસ્માત થાય તેવા બનાવો પણ બની રહ્યાં છે. હાલ તો આકરી ગરમી પડી રહી છે, ત્યાં આવા ખાડા અને ડ્રેનેજના ઢાંકણાની મોકાણ જોવા મળી રહી છે. ચોમાસા પહેલા પાલિકા રિપેર ન કરે તો જીવલેણ અકસ્માત થવાની શક્યતા પણ નકારી શકાતી નથી.
આ બાબતે મારી તમામ ઝોનને પહેલાથી સૂચના આપી દેવામાં આવી છે કે, તમારા વિસ્તારના રસ્તાઓમાં પડેલા ખાડા, તૂટેલા ગટરના ઢાંકણા અન્ય કામગીરી માટે જાણ કરવામાં આવી છે. તેમ છતાં જો કોઈ ચૂક રહી ગઈ હોય તો તેઓને 20 તારીખે મીટીંગ રાખવામાં આવી છે. તેમાં ફરીથી જાણ કરવામાં આવશે. જે સ્થળોએ આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે તે કાર્યને પૂર્ણ કરવા માટે તેમને સૂચના આપી દેવામાં આવશે.- વિક્રમ પોપટ પાટીલ (અધ્યક્ષ, મહાનગરપાલિકા ગટર સમિતિ)