રામ ભક્ત મોહમ્મદ સુલેમાન રોજ વાંચે છે ઉર્દુમાં રામાયણ સુરતઃ મર્યાદા પુરુષોત્તમ રામ માત્ર ભારત કે હિન્દુ ધર્મ પૂરતા મર્યાદિત નથી. પ્રભુ શ્રી રામના ભકતો ભારત સિવાયના દેશોમાં પણ અને હિન્દુ સિવાયના ધર્મોમાં પણ મળી આવે છે. આવા જ એક રામ ભકત છે સુરતના મોહમ્મદ સુલેમાન મિચલા. આ રામ ભક્ત રોજ ઉર્દુ ભાષામાં રુપાંતરિત કવિ તુલસીદાર રચિત રામાયણ વાંચે છે. રામ મંદિરના નિર્માણ અને પ્રુભ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને બહુ ઉત્સાહી છે મોહમ્મદ સુલેમાન.
અનેક ધાર્મિક પુસ્તકોનો સંગ્રહઃ રાંદેર વિસ્તારમાં રહેતા 69 વર્ષીય રામ ભકત મોહમ્મદ સુલેમાનના ઘરે અનેક ધાર્મિક પુસ્તકોનો સંગ્રહ જોવા મળે છે. તેમના ઘરે કુરાન ઉપરાંત ઉર્દુ ભાષામાં રુપાંતરિત રામાયણ અને ભગવદ ગીતા પણ છે. તેઓ રોજ રામાયણ અને ભગવદ ગીતા વાંચે છે. તેમને આંખે બહુ ઓછું દેખાય છે તેથી તેઓ બિલોરી કાચ લઈને પણ રામાયણનું પઠન કરે છે.
કેવી રીતે મળ્યું રામાયણ?: મોહમ્મદ સુલેમાન 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમને સંસ્કૃત ભાષામાં રામાયણ જોઈ હતી. તેમણે પોતાના શિક્ષકને આ પુસ્તક વિશે પુછ્યું હતું. તેમના શિક્ષકે આ વિદ્યાર્થીની ઉત્સુકતા જોઈને ઉર્દુ ભાષામાં અનુવાદિત કવિ તુલસીદાસ રચિત રામાયણ ભેટમાં આપી હતી. ત્યારથી તેઓ રામાયણ ત્યારબાદ ભગવત ગીતા વગેરે હિન્દુ ધાર્મિક પુસ્તકો સતત વાંચતા આવ્યા છે. તેમને રામ અને કૃષ્ણમાં ઊંડી શ્રદ્ધા છે. તેમણે ભગવદ ગીતા કંઠસ્થ છે અને તેઓ 30 જેટલા સેમિનારમાં ભગવદ ગીતા વિશે માહિતી પણ આપી ચૂક્યા છે.
કૃષ્ણ ભગવાનને આપણે પ્રેમથી 'તું' કહી શકીએ છીએ પરંતુ પ્રભુ શ્રી રામને 'તમે' જ કહેવું પડે. પ્રભુ શ્રી રામ આખા વિશ્વના ભગવાન છે. આજે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે બહુ ખુશીની વાત છે, જો કે આ ઘટના ઘણા વર્ષો પહેલા બનવી જોઈતી હતી. આનો શ્રેય દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે...મોહમ્મદ સુલેમાન મિચલા(મુસ્લીમ સ્કોલર, સુરત)
- રામ મંદિર પર બાબા રામદેવની વિપક્ષને સલાહ, અભદ્ર ટીપ્પણીઓ બંધ કરો નહિતર...
- Devraha Baba Prediction: રામ મંદિર વિશે 33 વર્ષ અગાઉ કરવામાં આવી હતી સચોટ ભવિષ્ય વાણી