સુરત રેલવે સ્ટેશન પર યુપી બિહારની ટ્રેન પહોંચતા પ્લેટફોર્મ રણભૂમિમાં બદલાઈ જાય સુરત : જે શહેરથી બુલેટ ટ્રેન પસાર થનાર છે તે જ શહેરના રેલવે પ્લેટફોર્મ નંબર ચારના દ્રશ્યો કોઈપણ વ્યક્તિને વિચલિત કરી શકે તેમ છે. પોતાના વતન જવા માટે યુપી બિહારના શ્રમિકો દંડાવાળી અને લાફવાળી પણ ખાઈ રહ્યા છે. પરંતુ કોઈપણ સંજોગોમાં તેઓ ટ્રેનમાં બેસવા માંગે છે. જનરલ ડબ્બામાં સીટ નથી. જેથી તેઓ જીવને જોખમમાં મૂકી ડબ્બાના દરવાજા પર લટકીને 25 કલાકનો સફર કરવા માટે પણ તૈયાર છે.
શું છે સમગ્ર મામલો : સુરત શહેરમાં ઉત્તર પ્રદેશ અને બિહારથી લાખોની સંખ્યામાં લોકો રોજગાર માટે આવે છે. જ્યારે હોળી કે ઉનાળાનું વેકેશન પડે છે, ત્યારે તેઓ પોતાના વતન જાય છે. પરંતુ તે સમયે તેમની યાત્રા ખૂબ જ દયનીય જોવા મળે છે. સુરત શહેરની વાત કરવામાં આવે તો યુપી, બિહાર જવા માટે તાપ્તી ગંગા એકમાત્ર દૈનિક ટ્રેન છે. જ્યારે ઉધના-દાનાપુર, ઉધના-બનારસ અને અંત્યોદય આ સાપ્તાહિક ટ્રેન છે. પરંતુ ઉનાળાની સિઝનમાં જ્યારે લાખોની સંખ્યામાં શ્રમિકો પોતાના વતન જવા માટે રેલવે પ્લેટફોર્મ પર આવે છે ત્યારે ટ્રેનની ડબ્બાની અંદર તેમની સ્થિતિ ઘેટા-બકરાની જેમ જોવા મળે છે.
દંડા લાફા ખાઈને ટ્રેનની મુસાફરી કરવા મજબૂર રાત્રિના 11:00 વાગ્યાથી જ પ્લેટફોર્મ પર આવી જાય :સુરતથી યુપી બિહાર જવા માટે 24 કલાકની યાત્રા કરવા પહેલા યાત્રીઓ પ્લેટફોર્મ નંબર-4 પર 10થી 12 કલાક પહેલા આવી જાય છે. એટલું જ નહીં જ્યારે તાપ્તી ગંગા ટ્રેન પ્લેટફોર્મ નંબર-4 પર પહોંચે ત્યારે તે પ્લેટફોર્મ રણભૂમિમાં બદલાઈ જાય છે. દરેક વ્યક્તિ કોઈ પણ સંજોગે જનરલ ડબ્બામાં બેસવા માંગે છે. ભીડ એટલી હદે હોય છે કે આરપીએફના જવાનો જેમ તેમ કરી લોકોને કંટ્રોલ કરે છે. આ ટ્રેનની રાહ જોવા માટે લોકો રાત્રિના 11:00 વાગ્યાથી જ પ્લેટફોર્મ પર આવી જાય છે. સવારે જ્યારે પ્લેટફોર્મ પર ટ્રેન માટે લાઈન જોવામાં આવે તો આશરે 300થી 500 મીટર લાંબી આ લાઈન પ્લેટફોર્મ પર હોય છે.
આ પણ વાંચો :દોડતી ટ્રેનમાંથી પડ્યો મુસાફર, દેવદૂત બનીને આવ્યો પોલીસકર્મી જુઓ વીડિયો
શ્વાસ લેવાની પણ જગ્યા ન મળે :મોટી સંખ્યામાં યાત્રીઓની ભીડને કાબુ કરવા માટે આરપીએફના જવાનો કલાકો પ્લેટફોર્મ પર ઉભા હોય છે. પરંતુ યાત્રીઓની ભીડ એટલી હદે હોય છે કે તેમને કંટ્રોલ કરવા માટે ડંડાવાળી કરવામાં આવે છે અને તેમને લાફો પણ ઝીંકવામાં આવે છે. જનરલ ડબ્બામાં જ્યારે લોકોની પરિસ્થિતિ જોવામાં આવે તો શ્વાસ લેવાની પણ જગ્યા ન મળે તેવી પરિસ્થિતિ જોવા મળે છે. ડબ્બાની અંદર જગ્યા ન હોવાના કારણે યાત્રીઓ જીવ જોખમમાં મૂકી દરવાજા પાસે ઊભા થઈ 25 કલાકનો સફર કરવા મજબૂર થઈ ગયા છે. એટલું જ નહીં ટ્રેનના ડબ્બાની અંદર જગ્યા ન હોય તો અન્ય યાત્રીઓ બીજા યાત્રીઓને ધક્કા મારીને અંદર ઘૂસવા માટેનો પ્રયાસ પણ કરી રહ્યા છે. ટ્રેન જ્યારે રવાના થાય છે ત્યારે દરવાજાની પાસે ઉભેલા યાત્રીઓને જોઈ અંદાજો લગાવી શકાય કે તેમની યાત્રા કેટલી જોખમી છે. અનેક યાત્રીઓ પ્લેટફોર્મ પરથી જગ્યા ન હોવાના કારણે ઘરે પરત ફરે છે.
પ્લેટફોર્મ રણભૂમિ જેવું બન્યું આ પણ વાંચો :Bihar Viral Video: રેલ્વે લાઇન ક્રોસ કરતી મહિલા ઉપરથી માલગાડી પસાર થઈ છતાં મહિલા સુરક્ષિત બચી
ટ્રેનની અંદર જગ્યા મળી ન હતી :યાત્રીસુનિલ મુરમું જણાવ્યું હતું કે, ભાગલપુર જવાનું હતું. ઇમર્જન્સી છે. મારી માતાની તબિયત સારી નથી. હું અને મારા ભાઈ વતન જવા માટે આવ્યા હતા. પરંતુ ટ્રેનમાં જગ્યા ન હોવાના કારણે હવે શું કરવું એ સમસ્યા ઉદભવી છે. ટિકિટ પણ લીધી હતી, પરંતુ ટ્રેનની અંદર જગ્યા મળી ન હતી.અન્ય યાત્રી રવિન્દ્રએ જણાવ્યું હતું કે, સચિન વિસ્તારમાં હું સંચાના કારખાનામાં કામ કરું છું. ગામ જવા માટે આવ્યો છું. ટિકિટ મળી નથી. તેથી જનરલ ટિકિટ કાઢી છે. છેલ્લા ત્રણ મહિનાથી ટિકિટ માટે પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ ટિકિટ મળી નથી. રાત્રે 11:00 વાગ્યાથી હું રેલવે સ્ટેશન પર આવ્યો છું. હું ગોરખપુર જવાનો છું.અન્ય યાત્રી સુરેશે જણાવ્યું હતું કે, હું રાત્રે 12:00 વાગ્યાથી રેલવે પ્લેટફોર્મ પર આવ્યો છું. ટ્રેનમાં બેસવા માટે રાત્રી થી આવી ગયો છું.