સુરત: સામાન્ય રીતે પોલીસને જોઈને ગુનેગારોના પરસેવા છૂટી જતા હોય છે. બહારથી સખત દેખાતી આ પોલીસ અંદરથી કેટલી લાગણીસભર છે. તેનું ઉદાહરણ કીમ પોલીસમાં જોવા મળ્યું છે. કીમ પોલીસ રાત્રે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મધ્યરાત્રીએ કીમ પોલીસને 8 વર્ષીય દિવ્યાંગ બાળકી મળી આવી હતી.
સુરત કિમ પોલીસે માનવતા મહેકાવી પોલીસે તેના વાલીપણાની પૂછપરછ કરતા પોલીસને કશું જ જાણવા મળ્યું નહોતું. કારણ કે, આ દિવ્યાંગ બાળકી કશું બોલી શકતી નહોતી. આ બાળકીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી હતી. પોલીસ સ્ટેશન આવેલી બાળકીનું પોલીસ કર્મચારીઓએ પોતાની દીકરી હોય તેવી જ રીતે તેના પર વ્હાલ વરસાવ્યું હતું. માત્ર 48 કલાકની અંદર બાળકી પોલીસ કર્મચારીઓએ સાથે એવી હળી મળી ગઈ કે, તે પોલીસને જ પોતાના માતા-પિતા સમજવા લાગી હતી.
પોલીસ કર્મચારીઓએ પણ પોતાની દીકરી હોય તેમ તેનું પાલનપોષણ કર્યું હતું. આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો પોલીસ સ્ટેશનમાં આ હસતી રમતી બાળકી કોઈ પોલીસ કર્મચારી સાથે ભેટી પડે છે. અને તેનો હાથ પકડી રમવા લાગી પડે છે. પોલીસ સ્ટેશનના જી.આર.ડી જવાનો પણ આ બાળકી પર વ્હાલ વરસવામાં કોઈ કસર બાકી રાખી ન હતી. જ્યારે બાળકી ગંદા કપડા અને દુર્ગંધ મારતી હાલતમાં મળી આવી હતી, ત્યારે પોલીસ સ્ટેશનની પી.એસ.ઓ એ તેને સ્નાન કરાવી તેને નવા કપડા લઇ આપી પહેરાવ્યા હતા. બાળકી કશું બોલી શકતી ન હોવાથી પોલીસ કર્મચારીઓ તેનું નામ ખબર ન હતું. જેથી તેઓ તેને ઢીગલી કહીને બોલાવતા હતા.
પોલીસે બાળકીની પુછપરછ કર્યા બાદ કશું ખબર ન પડતા 48 કલાક સુધી પોલીસે બાળકીના માં-બાપની શોધખોળ કરી હતી. બાળકીના મા-બાપ વિશે કોઈ ભાળ ન મળતા અંતે પોલીસે નાના બાળકોના ટ્રસ્ટને બાળકીને સોંપી હતી. બાળકીને જયારે ટ્રસ્ટના સંચાલક લેવા માટે આવ્યા ત્યારે પણ બાળકીના ચેહરા પર પોલીસ કમર્ચારીઓથી દુર જવાનુ દુઃખ દેખાઈ આવ્યું હતું. પોલીસ કર્મચારીઓએ પણ પોતાની ઢીંગલીને ભીની આંખે ટ્રસ્ટના સંચાલકને સોંપી હતી. આમ કીમ પોલીસે માં-બાપ વગરની બાળકીનું પાલન પોષણ કરી તેને ટ્રસ્ટને સોંપી માનવતા મહેકાવી હતી.