સુરત : કોરોના મહામારી વચ્ચે સુરત પોલીસે એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં પોતાના પોલીસ સ્ટેશનમાં આવેલી ફાજલ જમીનમાં ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. જેને લઈને પોલીસ સ્ટેશનમાં હરિયાળી પણ મળી રહે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા રોકડીયા હનુમાન પાસે આવેલી ટ્રાફિક રિજિયન-1ની ઓફિસમાં ઓર્ગેનિક ખેતીનું આ કામ શરૂ કરવામાં આવ્યું છે. અહીંના ACP શેખ અને સ્ટાફને ખાસ કરીને લોકડાઉન વચ્ચે એક વિચાર આવતા તેમને પોતાના પોલીસ ચોકીમાં ફાજલ પડેલી જગ્યામાં ખેતી શરૂ કરી છે. અહીં અનેક પ્રકારના શાકભાજીનું વાવેતર કર્યુ છે. અધિકારી બાદ ધીરે ધીરે સ્ટાફના માણસો પણ આ કામમાં જોડાતા ગયા અને જોત જોતામાં શાકભાજી સાથે અનેક પ્રકારની ભાજીનું પણ વાવેતર કર્યું છે.
અહીં જ્યારે પહેલા શાકભાજી આવ્યા ત્યારે મંદિરમાં અર્પણ કર્યા હતા અને બાદમાં દરરોજ સ્ટાફનાં એક એક કર્મચારીને આ શાકભાજી આપવાનું શરૂ કર્યું છે. અધિકારી ઈચ્છતા હતા કે, સ્ટાફ પોતાના ઘરે પણ ફાજલ જગ્યામાં આવી ઓર્ગેનિક ખેતી કરે. ઉચ્ચ અધિકારીને આ રીતે કામ કરતા જોઇ અન્ય પોલીસ કર્મચારીઓ પણ આગળ આવ્યા અને ઓર્ગેનિક ખેતી સાથે શુદ્ધ શાકભાજી ઉગાડવામાં મદદ કરવામાં લાગી ગયા હતા. જ્યારે કોઈ પણ પોલીસ કર્મીને સમય મળે ત્યારે તરત જ નાનકડા ખેતરમાં જે કામ બાકી હોય તે કામ કરવા લાગી જાય છે.