ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat People Bank Election : સુરત પીપલ્સ બેંકની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીનું પરિણામ જાહેર

સો વર્ષ જૂની સહકારી બેંક સુરત પીપલ્સ વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપ સમર્થિત વિકાસ પેનલ સામે સહકાર પેનલનો વિજય થયો હતો. આ ચૂંટણીમાં 52 હજારમાંથી 15 હજાર મતદાતાઓએ મતદાન કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, સહકારી બેંક સુરત પીપલ્સનો આશરે 10,600 કરોડનો વહીવટ હસ્તગત કરવા બંને પેનલે ભારે જોર લગાવ્યું હતું.

Surat People Bank Election
Surat People Bank Election

By

Published : Aug 8, 2023, 3:37 PM IST

સુરત :દક્ષિણ ગુજરાતની સૌથી સમૃદ્ધ ગણાતી સો વર્ષ જૂની સહકારી બેંક સુરત પીપલ્સની વ્યવસ્થાપક કમિટીની 13 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. દયાળજી આશ્રમ ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ભાજપ સમર્થિત વિકાસ પેનલ સામે સહકાર પેનલનો વિજય થયો હતો. આ ચૂંટણીમાં 52 હજારમાંથી 15 હજાર મતદાતાઓએ મતદાન કર્યું હતું. આ 15,198 પૈકી 7,100 વોટ સહકાર પેનલને મળ્યા હતા. જ્યારે વિકાસ પેનલના 13 ઉમેદવારોને માત્ર 1700 વોટ મળ્યા હતા.

કરોડોનો બેંક વહીવટ :આ ચૂંટણીમાં 2,200 મત ક્રોસ વોટીંગના હતા તથા 1,600 મત રદ કરવામાં આવ્યા હતા. મતદાન ગણતરીના કલાકમાં જ પરાજય નિશ્ચિત બનતા વિકાસ પેનલના અગ્રણીઓ અને ભાજપના નેતા મુકેશ દલાલ અને દીપક આફ્રિકાવાળા મતદાન મથક છોડી ગયા હતા. 10,600 કરોડનો બેંકનો વહીવટ હસ્તગત કરવા માટે સહકાર પેનલ અને વિકાસ પેનલે છેલ્લા પખવાડિયામાં એડી ચોટીનું જોર લગાવ્યું હતું.

સુરત પીપલ્સ બેંકની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીનું પરિણામ જાહેર

સહકાર પેનલની જીત : પરિણામ જાહેર થતાં ચૂંટણીમાં સહકાર પેનલની આદિમાનવ વિકાસ પેનલના સુપડા સાફ થઈ ગયા હતા. તમામ 13 બેઠક પર સહકાર પેનલના ઉમેદવારો જંગી સરસાઈથી જીતી ગયા હતા. ક્રોસ વોટિંગમાં વિકાસ પેનલના મત નીકળતા તમામ 13 ઉમેદવારની ડિપોઝિટ બચી શકી હતી.

મતદારોએ સહકાર પેનલને પ્રચંડ સમર્થન આપ્યું છે. અમે સભાસદો થાપણદારોની કસોટી પર ખરા ઉતરવા ખંતપૂર્વક પ્રયાસ કરીશું.-- અમિત ગજ્જર (અગ્રણી, સહકાર પેનલ)

ભાજપના મોટા માથા હાર્યા : આ ચૂંટણીમાં બેંકના ચેરમેન અને ભાજપ મહામંત્રી મુકેશ દલાલ, કોર્પોરેટર કેયુર ચપટવાલા, કોર્પોરેટર ધર્મેશ વાણિયાવાલા, પૂર્વ કોર્પોરેટર દીપક આફ્રિકાવાલા અને શહેર ભાજપના ખજાનચી અને પૂર્વ કોર્પોરેટર શૈલેષ જરીવાળા પરાજિત થયા હતા. પીપલ્સ બેંકની ચૂંટણી જાહેર થયા પછી ભાજપનું બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારોએ ઉમેદવારી કરતાં બેન્ક પર અપ્રત્યક્ષ રીતે રાજકીય કબજો કરવાનો મુદ્દો સહકાર પેનલે બનાવ્યો હતો. પરિણામ પછી વિકાસ પેનલના પ્રણેતા અને ભાજપના નેતા મુકેશ દલાલે જણાવ્યું હતું કે, મતદારોએ જનાદેશ આપ્યો છે એ સ્વીકારીએ છીએ.

સહકાર પેનલ : સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ અને પંકજ દેસાઇએ ફોર્મ ખેંચી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ મોટા ભાગના મોઢ વણિક સમાજના લોકોને આ પ્રયાસ ગમ્યો ન હતો. વિકાસ પેનલના મુકેશ દલાલ અને જયવદનભાઈ બોડાવાલાએ ઉમેદવારોની પસંદગીમાં થાપ ખાધી હતી. બીજી તરફ સહકાર પેનલ રાજકીય પૃષ્ઠભૂમિ ન ધરાવતા હોય એવા હાઇલી ક્વોલિફાઈ ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારી મેદાન મારી ગયું હતું. સહકાર પેનલે ટેક્સટાઇલ ઉધોગકાર બિપિન સાવલિયાને ઉમેદવાર બનાવી સૌરાષ્ટ્રવાસીઓના મત મોટી સંખ્યામાં અંકે કર્યા હતા. ખત્રી, વૈષ્ણવ, મુસ્લિમ અને પંજાબી સમાજના મત એકસામટા સહકાર પેનલમાં જતા વિકાસ પેનલની બધી ગણતરી ઊંધી પડી ગઈ હતી.

  1. Surat News: સુરતના કાપડ બજારમાંથી દેશભરમાં જશે તિરંગા, દરરોજ 10 લાખ તિરંગા પોસ્ટથી મોકલાઈ રહ્યા છે
  2. Surat Diamond Bourse: હીરા ઉદ્યોગપતિઓ PM મોદીને મળ્યા, જાણો 'સુરત ડાયમંડ બુર્સ'નું ક્યારે થશે ઉદ્ઘાટન ?

ABOUT THE AUTHOR

...view details