મુંબઈમાં ભીખ માંગતો આરોપી સુરત પીસીબીના હાથે ઝડપાઈ ગયો સુરતઃ જુદા જુદા ગુનામાં વોન્ટેડ અને ફરાર એવા આરોપીઓને પકડવા સુરત પોલીસે કમર કસી છે. આ શ્રેણીમાં સુરત પીસીબીની ટીમને 19 વર્ષથી ફરાર એવા આરોપી રાજુની ધરપકડમાં સફળતા મળી છે. સુરત પીસીબીએ આ રાજુને મુંબઈમાંથી ભીખ માંગતા ઝડપી લીધો છે. આ આરોપી પોલીસની હત્યાના ગુનામાં સંડોવાયેલ હતો.
2004માં કર્યો હતો ગુનોઃ રાજુ સુરતની કુખ્યાત ગેંગ પારધી ગેંગનો સભ્ય હતો. વર્ષ 2004માં સુરતના ઉચ્છલ હાઈવે રોડ પર પોલીસ સાથે આ ગેંગનું ઘર્ષણ થયું હતું. જેમાં આરોપી અને તેના સાથીઓએ પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં એક પોલીસ જમાદારનું મૃત્યુ થયું હતું. આ ગુનામાં સુરત જિલ્લા એલસીબીની ટીમે આરોપી રાજુ અને તેના બીજા બે સાથીદારો સહિત 3ની ધરપકડ કરી હતી. પોલીસે રીમાન્ડ મેળવીને ત્રણેય આરોપીઓને લોકઅપમાં બંધ રાખ્યા હતા. રાત્રે યેન કેન પ્રકારે લોકઅપની ચાવી મેળવી આરોપીઓએ નાસવાનો પ્રયત્ન કર્યો હતો. જેમાં રાજુ સિવાયના 2 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે રાજુ નાસવામાં સફળ રહ્યો હતો. પોલીસે રાજુ પર 5000નું ઈનામ પણ જાહેર કર્યુ હતું.
સુરત પીસીબી ટીમની કાર્યવાહીઃ સુરત પીસીબીને રાજુ વિષયક બાતમી મળી હતી કે રાજુ ઉર્ફે સુદર્શન પારધી મુંબઈમાં ભીખારીના સ્વાંગમાં જીવન વીતાવે છે. સુરત પીસીબીએ આ બાતમીને આધારે મુંબઈમાં ધામા નાખ્યા. સુરત પોલીસે મુંબઈના કુર્લા અને ઘાટકોપર રેલવે સ્ટેશન પર ભીખ માંગતા અન્ય ભીખારીઓને વિશ્વાસમાં લઈ 38 વર્ષીય રાજુની ધરપકડ કરી હતી. પોલીસે આ સમગ્ર ઓપરેશન 3 દિવસમાં પાર પાડ્યું હતું.
આરોપી રાજુ ઉર્ફે સુદર્શન પારધી પર પોલીસ કર્મીની હત્યા ઉપરાંત સુરત જિલ્લાના પલાસાણા, કામરેજ, કોસંબા, ઉચ્છલ તથા શહેરના અઠવા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ હતા. સુરત પીસીબીની ટીમે મહારાષ્ટ્ર સ્થાનિક પોલીસની મદદથી 19 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી લીધી છે. રાજુ સુરતમાંથી લોકઅપ તોડીને ફરાર થઈ ગયો હતો અને મુંબઈમાં ભીખ માંગતો હતો...અજય તોમર(પોલીસ કમિશ્નર, સુરત)
- Surat fraud visa case: વિદેશમાં જઈને સારૂં કમાવવાની આશામાં 15 શ્રમીકોએ ગુમાવ્યાં લાખો રૂપિયા, ઠગબાજ એજેન્ટોથી ચેતવતો કિસ્સો
- Surat Crime News: LIC એજન્ટને હનિટ્રેપમાં ફસાવનાર માસ્ટર માઈન્ડની પોલીસે ધરપકડ કરી