લગ્ન કરનાર નવયુગલને ભેટ સ્વરૂપે બેડશીટ, તિજોરી અને સોફાથી માંડી ઘરની અંદર વપરાશ માટેની વસ્તુઓ વહેંચાતી જોઈ હશે. પરંતુ ઘર જ ભેટમાં આપી દેવાય તેવી અનોખી પહેલ પારસી સમાજમાં શરૂ થઈ છે. વળી, આ સાહસ પાછળનું કારણ પણ ખૂબ જ મજેદાર છે. પારસી સમાજ ખૂબ જ ઓછી વસ્તી ધરાવતો હોવાથી તેની વસ્તીમાં વધારો કરવા માટે સુરત પારસી પંચાયત દ્વારા નવયુગલોને ભેટમાં મકાન આપવાનો નિર્ણય કરાયો છે.
છેલ્લા કેટલાય વર્ષોથી પારસી સમાજના લોકોની વસ્તીમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો હતો. પારસી સમાજના યુગલો લગ્ન કરે અને તેમની વસ્તીમાં વધારો થાય તે માટે પારસી પંચાયત દ્વારા ઉપરોક્ત નિર્ણય લેવાયો છે. વળી, અત્યાર સુધીમાં પારસી પંચાયત દ્વારા 100 જેટલા નવદંપતિને ફ્લેટ ભેટ સ્વરૂપે આપી દેવામાં આવ્યાં છે.