બસથી ઉતરતાં જ નડ્યો અકસ્માત સુરતઃશહેરમાં ફરી એક વખત સિટી બસનો કહેર સામે આવ્યો છે. અહીં 25 વર્ષીય યુવતીના પગ પરથી સિટી બસ ફરી વળતા યુવતીના બંને પગે ફ્રેક્ચર થઈ ગયું છે. જોકે, યુવતીને સિવિલ હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવી છે. આ ઘટના 21 જાન્યુઆરીની છે.
આ પણ વાંચોશતાબ્દી મહોત્સવમાં આવનારી બસ કાપરીયા ગામે ધડકાભેર અથડાઈ, બસ ચાલક ફરાર
યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્તઃ મળતી માહિતી અનુસાર, શહેરમાં સિવિલ હોસ્પિટલની પાછળ આવેલી યુનિક હોસ્પિટલ પાસે આ યુવતી સિટી બસમાંથી નીચે ઉતરી રહી હતી. તેનો એક પગ દાદર પાસે અને બીજો પગ નીચે હતો. એટલે કે, તેઓ બસમાંથી બરાબર ઉતરી શકી નહતી. ત્યારે જ સિટી બસચાલકે બસ હાંકતા યુવતી નીચે પડી ગઈ હતી. એટલે બસના પૈડા યુવતીના બંને પગ પરથી પસાર થઈ ગયા હતા. ત્યારબાદ યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
યુવતી પાંડેસરા વિસ્તારની રહેવાસીઃ સિટી બસના અકસ્માતમાં ભોગ બનનારી યુવતીનું નામ અર્ચના મધુકર ઓંતારી છે, જે પાંડેસરા વિસ્તારમાં આવેલા રિદ્ધિસિદ્ધિ નગરમાં રહે છે. તેઓ ખાનગી હોસ્પિટલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પિતા વોચમેનનું કામ કરે છે. જોકે, આ સિટી બસની બેદરકારીના કારણે યુવતીનું ભવિષ્ય અંધકારમાં જતું રહ્યું છે.
બસથી ઉતરતાં જ નડ્યો અકસ્માતઃઆ અંગે પીડિતાએ જણાવ્યું હતું કે, હું 105 નંબરની સિટી બસમાં પ્રવાસ કરી રહી હતી. ત્યારે યુનિક હોસ્પિટલ પાસે બસ ઊભી રહી હતી. મારે યુનિક હોસ્પિટલ પાસે જ ઉતરવું હતું. જ્યારે બસમાંથી 5થી 6 લોકો ઉતર્યા અને હું પણ ઉતરતી હતી. ત્યારે મારો એક પગ બસના દાદરા ઉપર અને એક પગ બહાર હતો અને ત્યારે બસચાલકે બસ હાંકતા હું પડી ગઈ હતી. તેમ જ મારા બંને પગ ઉપરથી બસના પાછળનો ટાયર ચડાવી દીધા હતા.અને આગળ જઈને બસ ચાલકે બસ રોકી હતી.
મારી સાથે જે વ્યક્તિ ગયો હતો તેઓ મને ઉંચકીને હોસ્પિટલ લાવ્યા હતાઃવધુમાં તેણે જણાવ્યું હતું કે, મારી સાથે જે વ્યક્તિ ગયો હતો. તે મને ઉંચકીને હોસ્પિટલ લઈ આવ્યો હતો. મારું એટલું જ કહેવું છે કે, આજે મારી સાથે આ દુર્ઘટના ઘટી છે. કાલે બીજા કોઈ સાથે ન બને એટલે મને ન્યાય જોઈએ છે. આ સાથે જ ડ્રાઈવરને કડક સજા થાય તેવી મારી માગ છે.
પરિવારના લોકો પુત્રી પર નિર્ભર હતાઃઆ અંગે પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, હું નાઈટ શિફ્ટ કરીને આવ્યો હતો અને ઘરે સૂઈ રહ્યો હતો. અમારા એક પાડોશી ભાઈ સાથે મારી છોકરી પીએફના પૈસા લેવા માટે ગઈ હતી. ત્યારે તેઓ તેમના મોટાભાઈને પણ મળીને આવ્યા હતા. તેઓ બસમાં પ્રવાસ કરી રહ્યા હતા. ત્યારે બસમાંથી ઉતરતા વખતે મારી છોકરીનો એક પગ બસના દાદર પર તો અને બીજો પગ નીચે હતો. બસચાલકે બસ હાંકતા મારી છોકરીને પગ ઉપર બસના પાછળના પૈડા ફરી વળ્યા હતા. જેથી મારી છોકરીનો અકસ્માત થયો હતો. અમને આ મામલે ન્યાય જોઈએ છીએ. અમે આર્થિક રીતે પુત્રી પર નિર્ભર હતા.
આ પણ વાંચોAccident case: ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયાનો ઉપલેટામાં અકસ્માત સર્જાયો
ખટોદરા પોલીસે શરૂ કરી તપાસઃ આ મામલે તપાસ કરતા ખટોદરા પોલીસ સ્ટેશનના ASI બાબુ સાહેબરાવે જણાવ્યું હતું કે, આ મામલાની તપાસ મારી પાસે જ છે. એ માટે 21 જાન્યુઆરીએ સિવિલ પોલીસ ચોકીથી જ ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ અમે આ મામલે પીડિતા અર્ચના મધુકર ઓંતારીનું નિવેદન લીધું હતું. તેઓ 105 નંબરની જે બસી વાત કરી રહ્યા છે. તે બસ ડ્રાઈવરને અમે બોલાવ્યો હતો. આ સાથે જ 24 જાન્યુઆરીએ જે ડ્રાઈવર હતો તેનું પણ નિવેદન લેવાયું હતું.અને સાથે તે બસના કંડેકટરનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.અને ત્યારબાદ ડ્રાયવર આવ્યો નથી.હાલ તો આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.