સુરતમાં એક જ દિવસે બે દર્દીના અંગદાનથી 10 લોકોનો જીવનમાં નવો પ્રકાશ સુરત : દક્ષિણ ગુજરાતમાં ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી એક જ દિવસે બે અંગદાનની ઘટના પ્રકાશમાં આવી છે. બ્રેઈનડેડ 42 વર્ષીય જયેશ પ્રજાપતિના પરિવારે જયેશભાઈના કિડની, ફેફસા, લિવર અને ચક્ષુઓ તેમજ બ્રેઈનડેડ 56 વર્ષીય સતીષભાઈ પટેલના પરિવારે સતીષના કિડની, લિવર, અને ચક્ષુઓનું દાન ડોનેટ લાઈફના માધ્યમથી કરી 10 વ્યક્તિઓને નવજીવન આપ્યું છે.
જયેશભાઈની શું છે ઘટના : સુરત જિલ્લાના માંડવી ખાતે રહેતા જયેશભાઈ હેવી વાહનમાં મેકિનલ તરીકે ફરજ બજાવે છે. તેઓ 21 માર્ચના રોજ પોતાના મિત્રો સાથે સાગબારામાં આવેલા દેવમોગરા માતાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કર્યા બાદ તમામ લોકો સાથે મંદિર પાસે આવેલા ઝુંપડામાં જમવા માટે ગયા હતા. જયેશને લઘુશંકા લાગતાં તે ઝુંપડાની પાછળ ખુલ્લી જગ્યામાં ગયો, પરંતુ અકસ્માતે પગ લપસી જતાં જયેશ ત્યાંથી 12 ફૂટ નીચે પડી જવાથી તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ અને તે બેભાન થઈ ગયો.
સારવાર માટે ખસેડવામાં આવ્યો : નીચે પડવાની જાણ ત્યાંના સ્થાનિક લોકોએ જયેશના મિત્રોને કરી હતી. તેને તાત્કાલીક ડેડીયાપાડામાં આવેલા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે અંકલેશ્વર ખાતે આવેલ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયો હતો. જ્યાં ડોક્ટરોએ તેને બ્રાન્ડેડ જાહેર કર્યા હતા. જયેશના પરિવારે અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો :બ્રેઇનડેડ દર્દીના અંગદાનથી ત્રણ દર્દીને નવજીવનની ભેટ મળી
બીજી કઈ છે ઘટના : જ્યારે બીજી ઘટનામાં સુરતના અમરોલી પાસે અક્ષરધામમાં રહેતા અને GIDCમાં વણાટ ખાતામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા સતિષભાઈ 21 માર્ચના રોજ બપોરે મોટરસાયકલ પર જમવા માટે ઘરે જઈ રહ્યાં હતાં. ત્યારે ગજેરા સર્કલ પાસે મોટરસાયકલ સ્લીપ થઇ જતા. તેઓ મોટરસાયકલ પરથી નીચે પડી ગયા હતા. જેના કારણે સતિષભાઈના માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સુરતની કિરણ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરોએ તેમને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોચી તેમના પરિવારના અન્ય સભ્યોને અંગદાનની અંગદાનનું મહત્વ અને સમગ્ર પ્રક્રીયા સમજાવી ત્યારબાદ સતીશના પરિવારે અંગદાન કરવાની અંગેની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો :ચા પીવા ગયેલા યુવકે અકસ્માતના કારણે ગુમાવ્યો જીવ, પરિવારે અંગદાન કરી 3 લોકોને આપ્યું નવજીવન
ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ : અંકલેશ્વર ખાતે આવેલા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલથી ગ્રીન કોરિડોર બનાવીને સુરત એરપોર્ટ અને સુરત એરપોર્ટથી હવાઈ માર્ગે હૈદરાબાદ સુધીનું 986 કિમીનું અંતર 200 મિનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ જયપુર રાજસ્થાનની રહેવાસી 34 વર્ષીય મહિલામાં હૈદરાબાદની કિમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.