સુરત : માનવ સેવા એ જ પ્રભુ સેવાની ઉક્તિને સાકાર કરતી દાનવીરોની ભૂમિ સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા 24 કલાકમાં બીજું સફળ અંગદાન થયું છે. નવી સિવિલની તબીબી અને પેરામેડિકલ ટીમના સફળ પ્રયાસોના પરિણામે દર અઠવાડિયે એકથી બે અંગદાન થઈ રહ્યા છે. આજે શહેરના પાંડેસરા ખાતે રહેતા 47 વર્ષીય બ્રેઈનડેડ દિપકભાઇ શ્રીધર લિમજેની બે કિડની, એક લિવર અને બે ચક્ષુઓનું દાન કરવામાં આવતા જરૂરિયાત મંદ દર્દીઓને નવજીવન મળશે.
Organ Donation : દાનવીરોની ભૂમિ એટલે સુરત, નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં બીજુ સફળ અંગદાન - Organ donation at New Civil Hospital
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં બીજું સફળ અંગદાન થયું છે. બે કિડની, લિવર અને બે ચક્ષુ મળી પાંચ અંગોના દાનથી અન્યોને નવજીવન મળ્યું છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આજે ફરી પછી અંગદાન કરવામાં આવ્યું છે. જોકે 24 કલાકમાં આ બીજું અંગદાન છે. શહેરના પાંડેસરા વિસ્તારના અપેક્ષાનગરમાં રહેતા 47 વર્ષીય દિપકભાઈ લિમજે પાંડેસરામાં સંચાના ખાતામાં કામ કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા. તેઓ ગત 20મી જુલાઈના રોજ બપોરે 2 વાગ્યાની આસપાસ ઘરે જમ્યા બાદ બહાર ખાડી પાસે ગયા હતા, ત્યાં ચક્કર આવતા પગ લપસી જવાથી પડી ગયા હતા અને તેઓ બેભાન થઇ જતા તેમને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. અહીં તેમની સારવાર કરવામાં આવી રહી હતી. ગઈકાલે રાતે તેઓને સારવાર દરમિયાન ડોક્ટરો દ્વારા બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. - ડો.ગણેશ ગોવલેકર (નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડ)
માનવતા ફરી વાર મહેંકી ઉઠી : વધુમાં જણાવ્યુ હતું કે, બ્રેઈનડેડ જાહેર કર્યા બાદ ડોક્ટરે દિપકના પરિવારને અંગદાન વિશે માહિતી પૂરી પાડી હતી. પરિવારે અંગદાનની સંપત્તિ આપતા જ ડોક્ટરોએ અંગદાનની તૈયારીઓ શરૂ કરી હતી. જે થકી બ્રેઈનડેડ દિપકભાઈની બન્ને કિડની અને લીવર અમદાવાદની આઈ.કેડી.હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યારે બે ચક્ષુને સિવિલ હોસ્પિટલની આઈ બેંકમાં રાખવામાં આવ્યા હતા. આ રીતે લિમજે પરિવારની અન્યોને મદદરૂપ થવાની ભાવના થકી આજે થયેલા સફળ અંગદાનથી માનવતા ફરી વાર મહેંકી ઉઠી હતી.