ઓલપાડમાં તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં એક પછી એક પાંચ જેટલી ચોરીની ઘટનાઓ સામે આવતા પોલીસની ઊંઘ હરામ થઇ ગઈ છે. તસ્કરો રોજે-રોજ બિન્દાસ પણે ચોરીને અંજામ આપી રહ્યા છે.
માત્ર ઓલપાડ ટાઉનની જો વાત કરીએ તો, અસનાબાદ વિસ્તારના સોમનાથ મહાદેવ મંદિર, દુકાનો અને GIDC વિસ્તારમાં ચોરીની હદ તો ત્યારે થઇ જયારે તસ્કરોએ ધોળા દિવસે બંધ મકાનને નિશાન બનાવ્યું. રોજે રોજ તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે, ત્યારે ગ્રામજનોમાં દહેશતનો માહોલ સર્જાયો છે. અસનાબાદ અને ઇશનપોર ગામના લોકોમાં તસ્કરોનો ખૌફ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.
ગુરુવારની રાત્રીએ ETV ભારતની ટીમ અસનાબાદ વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં ગ્રામજનોના ચહેરા ઉપર તસ્કરોની દહેશત સ્પષ્ટ જોઈ શકાતી હતી. ગ્રામજનો હાથમાં હથિયાર અને લાકડા તથા બેટ જેવા સાધનો લઇ નીકળી પડ્યા હતા. જેમાં યુવાનો સાથે મહિલાઓ પણ જોડાઈ હતી.
સુરતના ઓલપાડમાં ચોરીની દહેશતથી ગામલોકોની હથિયાર સાથે ચોકી ફેરી છેલ્લા એક સપ્તાહમાં પાંચ-પાંચ ચોરીની ઘટનાને લઇ તસ્કરોને ઝડપથી પકડવામાં આવે એવી ગ્રામજનો માગ કરી રહ્યા છે. અસનાબાદ પછી અમારી ટીમ ઇશનપોર ગામ પહોંચી, ત્યાં પણ આ જ દહેશત અને ડરનો માહોલ ગ્રામજનોમાં જોવા મળ્યો.
ગ્રામજનોનું જો માનીએ તો, રાત્રે પોલીસ આવતી જ નથી અને જો આવે તો મેઈન રોડ પરથી જોઈને ચાલી જાય છે. પોલીસ પેટ્રોલિંગ કરતી નથી એટલે ગ્રામજનો પેટ્રોલિંગ કરી રહ્યા છે. ગામના દરેક મહોલ્લામાંથી ઘરદીઠ ગ્રામજનો પોતાની રક્ષા માટે પહેરો કરી રહ્યા છે. આશરે 200થી 300 લોકો રાત્રિપહેરો કરી રહ્યા છે. જેમાં મહિલાઓ પણ જોડાઈ છે.
તસ્કરો બેફામ બની રહ્યા છે તેમ છતા ઓલપાડ પોલીસ નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવી નથી રહી. એવું નથી કે તસ્કરોના CCTV નથી, બેખૌફ બનેલા તસ્કરોના CCTV ફૂટેજ પણ પોલીસ પાસે છે. તેમ છતા પોલીસ આજદિન સુધી તસ્કરોનું પગેરું મેળવી શકી નથી. હવે જોવાનું એ રહે છે કે, ઓલપાડ પોલીસ તસ્કરોને કેટલા સમયમાં પકડે છે અને ગ્રામજનોને તસ્કરોના ભયમાંથી ક્યારે મુક્તિ અપાવે છે.