કિરીટ પટેલ કુશળ વહીવટકર્તા છે સુરતઃ જિલ્લાના કાંઠા વિસ્તારના શેરડી પકવતા ખેડૂતો માટે મહત્વની શ્રી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. અત્યારે ચર્ચામાં છે. આ ખાંડ મંડળીના પ્રમુખ એવા કિરીટ પટેલે ગઈકાલે રાજીનામુ આપ્યું હતું. અચાનક તેમને રાજીનામુ ધરી દેતા ખળભળાટ મચી ગયો હતો. કિરીટ પટેલે ઉંમર અને નાદુરસ્ત તબિયતના લીધે રાજીનામુ આપ્યું હોવાનું નિવેદન આપ્યું હતું.
આજે રાજીનામાનો અસ્વીકારઃ શ્રી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.ની સ્થાપના 1997માં કરવામાં આવી હતી.જેમાં 60,000 સભાસદો છે અને ઉત્પાદક સભાસદો 3500 જેટલા છે. આજે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ મળી હતી. જેમાં દરેક હોદ્દેદારોએ સર્વાનુમતે રાજીનામાનો અસ્વીકાર કર્યો હતો. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પ્રમુખ કિરીટ પટેલને કુશળ પ્રમુખ ગણાવી રહ્યા છે અને કોઈપણ પ્રકારના ચૂકવણા બાકી હોય કે નાણાકીય સમસ્યા નથી તેમ જણાવી રહ્યા છે.
એનસીડીસીમાંથી લીધેલ લોનના 25 કરોડ રુપિયા જેટલું ચૂકવણું ગત વર્ષે ચૂકવી દેવામાં આવ્યું હતું. જેને લઈને મિલને થોડીક આર્થિક સંકડામણ અનુભવાઈ હતી. જો કે સુગર મિલ દ્વારા તમામ સભાસદોને શેરડીના પૈસા ચૂકવાઈ ગયા છે. કિરીટ પટેલના કુશળ વહીવટને લીધે આ સુગર મિલ સુપેરે સંચાલિત થઈ હતી. અમે આજની બેઠકમાં સર્વાનુમતે કિરીટ પટેલનું રાજીનમુ નામંજૂર કરીએ છીએ...દિલીપ પટેલ(સભ્ય, કમિટી બોર્ડ, શ્રી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.)
પ્રમુખની કુશળતાઃ શ્રી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિની સ્થાપના 1997માં શેરડી પકવતા ખેડૂતોના હિત માટે કરવામાં આવી હતી. જે સમય જતા ફડચામાં જતાં બંધ થવાનો વારો આવ્યો હતો. જો કે મિલના પ્રમુખ અને અન્ય સહકારી આગેવાનોના પ્રયાસો બાદ ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદી પટેલના સમયમાં એનસીડીસીમાંથી 20 કરોડ રુપિયાની લોન લઈને મિલને ફરીથી બેઠી કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 9 વર્ષ સુધી આ મિલ સુપેરે ચાલી હતી. જો કે ગઈકાલે અચાનક પ્રમુખ કિરીટ પટેલે રાજીનામુ ધરી દેતા સુરત જિલ્લા સહકારી ક્ષેત્રમાં હડકંપ મચી ગયો હતો.
મિલને પડી રહેલ તકલીફોઃ સુરત જિલ્લામાં દિવસે દિવસે ખેતરો ઓછા થઈ રહ્યા છે અને કોન્ક્રિટના જંગલો વધી રહ્યા છે. ખેડૂતોએ શેરડી પકવવાનું ઓછું કરી દીધું છે. સુગર મિલો નિર્ધારિત વિસ્તારોમાંથી શેરડી મેળવી ખાંડ પકવતી હોય છે. જો કે છેલ્લા કેટલાક સમયથી સુગર મિલોનો ધારો બદલાયો છે. મિલો ટાર્ગેટ પૂરો કરવા નક્કી કરેલ વિસ્તારની બહારથી પણ શેરડી મેળવતી હતી. જો કે હવે વ્યારા સુગર મિલ, તાપી સુગર મિલ શરુ થતાં ત્યાંથી પણ શેરડીનો જથ્થો મળી શકે તેમ નથી. ભૂંડના ત્રાસને લીધે પણ ખેડૂતો શેરડીનો પાક છોડીને અન્ય પાકો તરફ વળ્યા છે. જેથી અપૂરતી શેરડી મળવાને લીધે સુગર મિલને તકલીફ પડી રહી હોવાનું સામે આવ્યું છે. એનસીડીસીની લોન તેમજ અન્ય ચૂકવણા બાકી છે જો આ સ્થિતિમાં સુગર મિલ બંધ કરવામાં આવશે તો પૈસાનું ચૂકવણું કઈ રીતે કરવું તે મોટા પ્રશ્ન છે.
- જિલ્લા સહકારી દૂધ સંઘોને માળખાગત સુવિધાઓ પૂરી પાડવા ૧૬.૮૯ કરોડની સહાય મંજૂર: રાઘવજી પટેલ
- Surat People Bank Election : સુરત પીપલ્સ બેંકની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીનું પરિણામ જાહેર