આબોલી ગામ પાસે તાપી નદી બ્રિજના સ્પાનને જોડતી લોખંડની પ્લેટ ફરી ખસી ગઈ સુરત :જિલ્લાના કામરેજ તાલુકાના આંબોલી ગામ નજીક લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. તાપી નદીના બ્રિજના સ્પાનને જોડતી લોખંડની પ્લેટ આજરોજ ફરી ખસી હતી. આ અંગે જાણ થતા NHAI વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. બ્રિજની એક લાઈન બ્લોક કરી વેલ્ડિંગથી સાંધા મારવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આ કામગીરી લગભગ એક કલાક સુધી ચાલી હતી. જેના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, વાહનચાલકોને ભય છે કે રાત્રી દરમિયાન પ્લેટ ખસી ગઈ તો શું થશે. કારણ કે, બ્રિજના સ્પાન વચ્ચે બે થી ત્રણ ફૂટ જેટલો ગેપ છે. જો NHAI વિભાગ આ જ રીતે કામગીરીમાં વેઠ ઉતારતું રહેશે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાવાનું નક્કી છે.
પ્લેટ થોડી ખસી જતાં અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે તાત્કાલિક કામગીરી શરૂ કરાવી હતી. આ કામગીરી એક કલાક આસપાસ ચાલી હતી. -- રીન્કુભાઈ (સુપર વાઈઝર, NHAI)
વેલ્ડિંગના સાંધા ટકશે ? કામરેજ તાલુકાના ચોર્યાસી ગામ નજીક NHAI વિભાગના કાર્યરત ટોલ પ્લાઝા પર રોજ વાહનચાલકો અંદાજે 80 લાખથી વધુનો ટોલ ટેક્સ ભરે છે. આ હાઇવે પર અંદાજે 40 હજારથી વધુ વાહનો પસાર થાય છે. સુવિધાના નામે ઉઘરાવવામાં આવતા લાખો રૂપિયા છતાં NHAI વિભાગ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. જે ખરેખર કેટલી યોગ્ય. દર પંદરથી વીસ દિવસના અંતરાળે લોખંડની પ્લેટ ખસી જવાની ઘટનાને લઈને વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
તંત્રની બેદરકારી : છેલ્લા ઘણા મહિનાથી વાહન ચાલકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. છતાં કામરેજ તાલુકાના સ્થાનિક નેતાઓના પેટનું પાણી હલતું નથી. તેઓ NHAI વિભાગ આગળ નતમસ્તક થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે કામરેજના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના પ્રધાન પ્રફુલ પાનસેરિયા અંગત રસ દાખવી NHAI વિભાગને ટકોર કરે તે હાલ જરૂરી બની ગયું છે.
- Surat News : સુરતમાં સનાતની હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ, સાળંગપુર મંદિરમાં હનુમાનજીને દાસ દર્શાવતાં ભીંતચિત્રનો વિવાદ
- Surat News : માંડવીમાં ગેસ સિલિન્ડર જોડવા જતાં વાલ્વ લીકેજ હોવાથી લાગી આગ, મહિલાનું મોત