સુરત : ઘણા લોકો એવા છે કે જેઓનો માનવતા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. આવા લોકોને એકવાર સુરતમાં રહેતા અનિલ બાગલે વિશે જાણે તો કંઇ નોખી લાગણી અનુભવી શકે છે. એક વૃદ્ધા સાથે થયેલા અકસ્માત બાદ અનિલભાઈના જીવનમાં એવી રીતે પરિવર્તન આવ્યું કે તેઓ હાલ સવાસો જેટલા નિસહાય અને અનાથ વૃદ્ધ લોકોની સેવા કરી રહ્યા છે. તેમના વૃદ્ધાશ્રમમાં એચઆઈવી સહિત અનેક ગંભીર રોગોથી પીડાઈ રહેલા વૃદ્ધોની સેવા થઇ રહી છે, જેઓને તેમના પરિવારના સભ્યોએ રોડ પર તરછોડી દીધા હતાં.
વૃદ્ધા સાથે અકસ્માતની ઘટના : ચાર વર્ષ અગાઉ ગોડાદરા વિસ્તારમાં રહેતા અનિલ બાગલે પોતાની બાઇક લઇને નીકળ્યા હતા. જ્યાં રસ્તામાં 80 વર્ષીય ધૃવલતા નામે વૃદ્ધાને ટક્કર વાગતા ઇજા પામ્યાં હતાં. એ પછી તેમણે સારવાર કરાવીને તપાસ કરતાં વૃદ્ધા નિરાધાર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે અનિલ બાગલે વૃદ્ધાને પોતાના ઘરે લઇ આવ્યાં હતાં ચાર વર્ષ સુધી સંભાળ રાખી હતી. ચાર વર્ષ અગાઉની આ હૃદયસ્પર્શી ઘટના પછી અનિલે ગોડાદરામાં વૃદ્ધો માટે ઓલ્ડ એજ હોમ નામે વૃદ્ધાશ્રમ શરૂ કર્યો છે, જ્યાં હાલ સવાસો કરતાં વધુ વૃદ્ધો આશરો લઇ રહ્યા છે.
અમુક પથારીવશ વ્યક્તિઓને પોતાના પરિવારજનો ઘરે પણ રાખતા નથી. ત્યારે ઓલ્ડ એજ હોમમાં કોઇપણ આળસ કે ગુસ્સો કર્યા વિના આદરપૂર્વક તેમને હોંશભેર રાખવામાં આવે છે. આ વૃદ્ધોની સંભાળ માટેનો દર મહિને બે લાખનો ખર્ચ થાય છે, છતાં કોઇની પાસે હાથ લાંબો કરવો પડતો નથી. પ્રભુ કૃપાથી નિભાવ થઇ રહે છે...અનિલ બાગલે, (વૃદ્ધાશ્રમ સંચાલક)
વૃદ્ધોની સેવા જીવનમંત્ર : અનિલ બાગલેએ વધુમાં જણાવ્યું હતું કે, વધુ નિરાધારોની સુવિધા માટે વૃદ્ધાશ્રમનું બાંધકામ થઇ રહ્યું છે. જેમાં હજ 150 વ્યક્તિઓ રહી શકે એવી સુવિધા ઊભી કરવામાં આવશે. જે ભવિષ્યમાં નિરાધારો માટે આશીર્વાદરૂપ બની રહેશે. અમુક વૃદ્ધોને પુત્ર કે પરિવારજનો સાથે ઝઘડો થયા પછી પણ અહીં રહેવા આવે છે. પરંતુ અમે સમજાવટથી કામ લઇને વૃદ્ધોને ઘરે પણ મૂકી આવીએ છીએ. અમને એચઆઈવી,ગેંગરીન સહિત અનેક ગંભીર રોગોથી પીડાઈ રહેલા વૃદ્ધ રોડ પરની સહાય અવસ્થામાં મળી આવ્યા હતા. અમે તેમને અહીં લાવી સેવા કરી રહ્યા છે.
બાગલે પરિવાર સેવામાં લાગી ગયો : ગોડાદરાની મહાદેવનગર સોસાયટીમાં ઓલ્ડ એજ હોમ નામે અનિલ બાગલે એ ચાર વર્ષ અગાઉ વૃદ્ધાશ્રમની શરૂઆત કરી હતી. જ્યાં આજે લાચાર, નિરાધાર, મંદબુદ્ધિ અને પ્રભુસ્વરૂપ એમ આશરે સવાસો વૃદ્ધ મહિલાઓ અને પુરુષો આશરો લઇ રહ્યા છે. તેઓને સાત્વિક ભોજન, કપડાં, સારવાર, ડાયપર અને દવાની સુવિધા માટે બાગલે પરિવાર પૂરતી કાળજી લઇ રહ્યો છે. આ તમામ વૃદ્ધ તેમને રોજે આશીર્વાદ આપતા હોય છે.
પત્નીનો પૂરો સહકાર : અનિલ બાગલેએ વૃદ્ધાશ્રમ શરૂ કરવામાં તેમની પત્ની ભારતીબેનનો પૂરતો સહકાર મળ્યો છે. વૃદ્ધો માટે ભોજન બનાવવામાં પત્ની અને પુત્રી પણ જોડાય છે. વૃદ્ધોની સારવાર માટે ડોક્ટરોને ચાર્જ સાથે બોલાવવામાં આવે છે. ભારતી બાગલેએ જણાવ્યું હતું કે, મારા પતિ જ્યારે વૃદ્ધોની સેવા કરે છે ત્યારે મને ખૂબ જ ગર્વની લાગણી થાય છે હું પણ આ નિસહાય વૃદ્ધ લોકો માટે રોજે ભોજન બનાવું છું.
- Junagadh Animal Lover: આકરી ગરમીમાં પશુ-પક્ષીઓ માટે શરૂ થયો અનોખો સેવા યજ્ઞ, નિર્જન વિસ્તારમાં જઈ આપે છે પાણી
- 100 વર્ષની નિરાધાર દાદી જ્યારે વૃદ્ધાશ્રમ પહોંચી ત્યારે ભાવુક થઈ ઈશ્વરને યાદ કરી ભજન ગાયું
- Service activity in Bhavnagar:ભાવનગરમાં અલગ પ્રકારની સેવા વૃદ્ધોને ફીમાં દાઢી વાળ કાપી આપતા યુવાનો