સુરતઃ સ્મીમેર હોસ્પિટલ ફરીથી સમાચારમાં ચમકી છે. આ વખતે ડિલીવરી થઈ ગયા બાદ નવજાત બાળકી ફ્લોર પર પટકાવાની ઘટનાને લીધે સ્મીમેર હોસ્પિટલ વિવાદમાં ઘેરાઈ છે. આવી બેદરકારી ચલાવી લેવાય નહીં તેવા સૂર સાથે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ખુદ તપાસ કરી રહ્યા છે.
સમગ્ર ઘટનાક્રમઃ લાજપોર વિસ્તારમાં રહેતા તરન્નુમ બીબીને ડિલીવરી માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડિલીવરી બાદ બાળકીને જે ટેબલ પર મુકવામાં આવી ત્યાંથી તે લેબરરુમના ભોંયતળિયા પર પટકાઈ હતી. જો કે તરન્નુમ બીબીના સગાનું કહેવું છે કે બાળકી ડૉક્ટરના હાથમાંથી જમીન પર પટકાઈ હતી. બાળકીને ઈજા થતા અત્યારે તેને એન.આઈ.સી.યુ.(નિયોનેટલ આઈસીયુ)માં સારવાર અર્થે રાખવામાં આવી છે. આરોપ પ્રત્યારોપણ બાદ મામલો હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પાસે પહોંચ્યો હતો. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ સુપ્રિન્ટેન્ડન્ટ ખુદ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે.