સુરત : સુરત મહાનગરપાલિકા દ્વારા પોતાના આંગણે વહેતી તાપી નદીના નીરનો મહત્ત્વનો ઉપયોગ કરવા માટેનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યાં છે. જેના દ્વારા સુરત મનપાની કમાણીમાં પણ વધારો થઇ શકે છે. એકતરફ સુરત મહાનગરપાલિકા દર વર્ષે વેસ્ટ વોટરને ટ્રીટ કરી ઉદ્યોગોને આ પાણી વેચે છે અને તેમાંથી 140 કરોડ રૂપિયાની માતબર કમાણી કરે છે. ત્યારે હવે તાપી નદીને લોકો માટે વધુ ઉપયોગી બનાવવા માટે નવો અભિગમ અપનાવવા માટે તાપી નીર મિનરલ વોટર પ્રોજેક્ટ સાથે તૈયાર છે. મહત્ત્વનું છે કે હાલ આ પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકાશે અને ત્યાર પછી ટેન્ડર બહાર પાડવામાં આવશે.
ઉચ્ચ ગુણવત્તાનું મિનરલ પાણી આપવાનો હેતુ : જે રીતે ટ્રેનમાં પીવાનું શુદ્ધ પાણી રેલવે નીર લોકોને મળે છે તે જ રીતે આવનાર દિવસોમાં સરકારી કચેરીઓમાં લોકોને તાપી નીર મિનરલ વોટર મળી રહે એ માટે ખાસ પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત થવા જઈ રહી છે. આ વખતે સુરત મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે કે તેઓ સુમુલ ડેરી સાથે મળીને શહેરીજનોને ઉચ્ચ ગુણવત્તાનું મિનરલ પાણી આપે. સુમુલ ડેરી દક્ષિણ ગુજરાતની પશુપાલકો માટે જીવા દોરી સમાન છે. હવે આ સુમુલ ડેરી આવનાર દિવસોમાં સુરત મહાનગરપાલિકા સાથે મળીને તાપી નીરનું વેચાણ કરશે.
આ પણ વાંચોઃ
- Tapi News : પાણીની ચિંતા હળવી કરાવતાં સારા સમાચાર, આ પાંચ જિલ્લાને ઓગસ્ટ સુધી રાહત આપશે ઉકાઇ ડેમ
- Surat News : દેશનું સૌથી મોટું અને અદ્યતન ઇન્ટીગ્રેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, કઈ રીતે આપે છે રિસ્પોન્સ જાણો
- PPP Model Surat: PPP મોડલ પર સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશન માટે સુરત મનપા આપશે જગ્યા, વસૂલશે આટલો ચાર્જ
પાણીમાંથી ફરીવાર પાણીદાર કમાણી : સુરત ઔદ્યોગિક શહેર છે. અહીં અનેક વિશાળ ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગોને સુરત મહાનગર પાલિકા પાણી પુરવઠો આપીને કરોડો રૂપિયાની કમાણી કરે છે. અસ્વચ્છ પાણીને ટ્રીટ કરીને ઉદ્યોગોને વેચી સુરત મહાનગરપાલિકા 140 કરોડ રૂપિયાની કમાણી કરે છે. હવે પાલિકા વધુ એક રીતે પાણીનું વેચાણ કરી કમાણી કરવા માટે તૈયાર છે.
સુરત મહાનગરપાલિકા હવે નવી મુહિમ ઉપાડવા જઈ રહી છે. સુરત મનપા જે પાણી સુરતની 70 લાખની વસતીને આપે છે તે 100 થી લઈને 200 સુધી ટીડીએસ વચ્ચેનું પાણી હોય છે. જેની ગુણવત્તા ખૂબ જ સારી હોય છે. આ પાણીની શુદ્ધતા એટલી હદે સારી હોય છે કે એ લોકો તેને નળથી સીધું જ પી શકે છે. જેના કારણે અમને વિચાર આવ્યો કે આખા શહેરમાં દર વર્ષે ઘણા કાર્યક્રમ યોજાય છે અને મહાનગરપાલિકાની 100થી વધુ ઓફિસો છે. તેના બોટલિંગ પ્લાન્ટ માટે જે સૌથી સારી કંપની કહી શકાય તેવી સૂમુલ ડેરી સાથે મળીને તાપી નીર મિનરલ વોટર પ્રોજેક્ટ શરૂ કરવા માટે વિચારણા છે...- પરેશ પટેલ (ચેરમેન, સુરત મનપા સ્ટેન્ડિંગ કમિટી)
સુમુલ ડેરી સાથે શરૂ થશે પ્રોજેક્ટ : સુરત મહાનગરપાલિકા સત્તાવાળાએ જણાવી રહ્યાં છે કે સુરતની 70 લાખની વસતીને અપાઇ રહેલું પીવાનું પાણી સારી ગુણવત્તા ધરાવતું 100થી 200 ટીડીએસનું પાણી હોય છે. આ પાણીની શુદ્ધતા હદે સારી હોવાથી નળથી સીધું જ પીવાના ઉપયોગમાં લઇ શકાય છે. ત્યારે મહાનગરપાલિકાની સોથી વધુ ઓફિસોમાં તાપી નીર પૂરું પાડવામાં આવશે અને તેના બોટલિંગ માટે સુમુલ ડેરીનો સહયોગ કરવામાં આવશે.
ડિપોઝિટની રકમ પરત મળશે : તાપી નીરના આ પાયલોટ પ્રોજેક્ટ માટે પ્રાથમિક બેઠક મળી ચૂકી છે. સુરતના લોકોને તાપી નામની બ્રાન્ડ વોટર બોટલ સાથે મળી રહેશે. આ માટે કાચની બોટલ રાખવાની વિચારણા પણ કરવામાં આવી છે.જ્યારે લોકો આ કાચની બોટલ પરત કરશે ત્યારે ડિપોઝિટની રકમ પણ તેમને આપવામાં આવશે. અથવા તો જો પ્લાસ્ટિકની બોટલ વાપરવામાં આવશે તો તે રિસાયકલ પ્લાસ્ટિકની બોટલો હશે. લોકોને કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિક ઉપયોગ વગર શુદ્ધ પાણી મળી રહે એવો આ પ્રોજેક્ટનો હેતુ છે.