સુરત : સુરત શહેરમાં ભીમરાડ રોડ પર એક્સલસ બિલ્ડીંગમાં ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ મજૂરો ગુંગળાયા હતાં. જોકે ત્રણે મજૂરોને તાત્કાલિક ફાયર વિભાગના મદદથી બહાર કાઢી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ત્રણ પૈકી એક મજૂરનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. હાલ આ મામલે અલથાણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગટર સાફસફાઈનું કામકાજ : અલથાણ ભીમરાડ કેનાલ રોડ ઉપર આવેલ એક્સલસ બિલ્ડીંગમાં ગટર સાફસફાઈનું કામકાજ ચાલતું હતું. તે દરમિયાન ત્રણ મજૂરો ગટરમાં નીચે ઉતર્યા હતાં. ત્યારે તેઓ અંદર જ ગુંગળાઇ જતા બેભાન થઈ ગયા હતાં. જોકે અવાજ ન આવતા તેમને બહાર કાઢવા માટે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને ફાયરના જવાનોએ ઓક્સિજનનો બાટલો પહેરી ગટરમાં નીચે જઈને ત્રણે મજૂરોને બહાર કાઢ્યા હતાં.
આ પણ વાંચો Sanitation workers Death : રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કરવા ઉતરેલ મજૂર અને કોન્ટ્રાક્ટરનું મોત
બે મજૂરોની હાલત સ્થિર :તમામને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ત્રણ પૈકી એક મજીરનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. તો બીજા બે મજૂરોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ મામલે અલથાણ પોલીસે કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફાયર વિભાગ ટીમે બહાર કાઢ્યાં :આ બાબતે અલથાણ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બહાદુરસિંહે જણાવ્યું કે આ ઘટના ગઈકાલે સાંજે 4 વાગ્યે બની હતી. જેમાં ત્રણ મજૂરો ભીમરાડ કેનાલ રોડ ઉપર આવેલ એક્સલસ બિલ્ડીંગમાં ગટર સાફસફાઈનું કામકાજ ચાલતું હતું તે દરમિયાન ત્રણ મજૂરો ગટરમાં નીચે ઉતર્યા હતાં. ત્યારે તેઓ અંદર જ ગુંગળાઇ જતા એક મજૂર બેભાન થઈ ગયો હતો અને બાકીના બે મજૂર આપમેળે જ બહાર આવી ગયા હતાં. જોકે તેઓ બહાર આવતા જ તેમને અશક્તિ જેવું લાગતા જમીન ઉપર ઢળી પડ્યાં હતાં અને એક મજૂર નીચે ફસાઈ જતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી વેસુ ફાયર વિભાગ ટીમ ત્યાં પહોંચી હતી. ટીમે એક ફસાયેલાં મજૂરને બહાર કાઢી સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો Dahej Laborers Deaths : ગટરમાં ઉતરેલા 3 કામદારોના ગૂંગળામણથી મૃત્યુ, પરિવારમાં શોકનો માતમ
બિલ્ડીંગના મેન્ટેનન્સ વિભાગ વિરુદ્ધ ગુનો નોંધાયો : તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં ગટરસાફ માટે નીચે ઉતરેલા ત્રણ મજૂરો જેઓ ઘટના સ્થળ ઉપર જ રહેતા હતા. તેમાં રમેશ ભીખા કામલીયા જેઓ 45 વર્ષના છે, બકુલભાઈ બારૈયા જેઓ 30 વર્ષના છે અને આ ઘટનામાં મોત થયેલા મજૂરનું નામ રઘુભાઈ નાનજીભાઈ સોલંકી છે જેઓ 40 વર્ષના હતાં. જેમાં બકુલ બારૈયા સૌથી પહેલા ટેન્કમાં સફાઈ માટે ઉતર્યા હતાં. જોકે ગેસથી ગુંગળામણ થતા તેઓ અંદર ઢળી પડ્યા હતાં. જેથી રધુ સોલંકી બકુલભાઇ બારૈયાને બહાર કાઢવા જતા તે પણ ત્યાં ઢળી પડ્યા હતા. ત્યાર બાદ રમેશ કામલીયા બન્નેને બહાર કાઢવા માટે જતા તેને પણ ગેસની ગુંગળામણ થઈ હતી અને તે પણ ટેન્કમાં ઢળી પડ્યા હતાં. હાલ આ મામલે અમે બિલ્ડીંગના મેન્ટેનન્સ વિભાગ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.