સુરત : જીવનની સંધ્યાટાણે લોહીનાં સંબંધ પણ રંગ બતાવી દે છે એવા સંજોગોમાં રાંદેરના પટેલ પરિવારે માણસાઇની જ્યોત પ્રજ્વલિત રાખવાનું કામ કર્યું છે. આખી જિંદગી ચાકરી કરનાર વૃદ્ધ મહિલા અંતિમ દિવસોમાં પથારીવશ થઇ અને પોતાનું કહી શકાય એવું કોઇ નહીં હોવાથી વૃદ્વાને પરિવારનાં વડીલની જેમ રાખી પટેલ દંપતિ સેવા કરી રહ્યું છે. એથી પણ અદકેરી આ વાત હવે આગળ જાણો.
પોલીસ સ્ટેશન આવ્યું પટેલ દંપતિ : સુરતમાં રાંદેર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ રામસંગભાઈ સવારે ફરિયાદ વિભાગમાં ફરજ પર હાજર હતાં, આ સમયે એક સીનિયર સિટીઝન કપલ પોલીસ સ્ટેશનમાં આવ્યું હતું. ચોકસી વાડી પાસે સાંઇબાબા મહાનગર સોસાયટીમાં રહેતાં 75 વર્ષનાં રમેશભાઈ પટેલ અને 70 વર્ષીય તેમનાં ધર્મપતી ગીતાબેને પોતાની વાત કહેવા માંડી. ચોરી, ચીટિંગ કે હેરાનગતિનો કેસ હશે એવી પૂર્વ ધારણા સાથે કિરીટસિંહ તેમને સાંભળવા માંડ્યાં.
પારિવારિક કોઇ સમસ્યા નહીં :પાણી આપી કિરીટસિંહે તેઓને શાંતિથી રજૂઆત કરવા કહ્યું હતું. બંને પૈકી ગીતાબેન ને હળવેકથી જણાવ્યું કે અમારી મૂંઝવણ છે કે.. ગભરાટ અનુભવતા ગીતાબેન બોલી ન શક્યાં. કિરીટસિંહે આગળ વાત કરતા કહ્યું કે બોલો કોઈ હેરાન કરે છે ? મારા મારી, ધમકી, છેતરપીડી, પાસપોર્ટ, એનઓસી કે પોલીસને લગતુ જે હોય તે બોલો.... આમ કહેતા વૃદ્ધ દંપતીએ થોડાં ખચકાટ સાથે કહ્યું કે, આમાંનું કશું નથી. ગીતાબેને કહ્યું કે તેણીએ સરકારી શાળામાં શિક્ષકા તરીકે નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે બાળકો પણ બધા આર્થિક સધ્ધર છે. પોતે હાલ દીકરી મુક્તિ સાથે રહે છે. તેમના પતિ રમેશભાઈને પ્રોસ્ટેટ કેન્સરની બીમારી છે તેની પણ સારવાર ચાલુ છે. પારિવારિક કોઇ તકલીફ નથી.
રાજુબેન ખાલપભાઈ ગામીતની વાત કરી :આ વાત સાંભળી કિરીટસિંહ બોલી ઉઠયા કે, ‘'દાદી તો પછી છે શું ?’’ આ વખતે ગીતાબેને સહેજ નરમાશ સાથે જણાવેલ કે તેમના ઘરમાં બીજા એક સભ્ય છે. જેઓ સાથે પારિવારિક લોહીનો સંબંધ નથી, પણ ફેમિલી મેમ્બર છે અને તકલીફ તેમને રીલેટેડ છે. 1983ના વર્ષમાં તેમને ત્યાં ઘરકામ વાસીદુ કરવા માટે એક કામવાળા બહેનને લાવ્યા હતા. રાજુબેન ખાલપભાઈ ગામીત એમનું નામ છે. જેમની હાલની ઉંમર આશરે 85 થી 90 વર્ષ જેટલી છે. વર્ષોથી અમારા પરિવાર સાથે રહેલા હોય અમારી સાથે હળીમળી ગયા અને આજુબાજુનાં રહેવાસીઓ સાથે પણ સારી રીતે હળીમળી ગયા છે.
પથારીવશ રાજુબેન દક્ષિણ ગુજરાતના મૂળ વતની : રાજુબેન ચાર પાંચ દિવસ પહેલા વધુ ઉંમરના કારણે કોઈ કારણસર ઘરની બહાર પડી જતા તેમને ખભામા ઈજા થતા તેમની સારવાર તેઓએ ડોકટર કિરીટ જોષી પાસે કરાવેલ હાલ બા” પથારીવશ છે. આ કામવાળા બા દક્ષિણ ગુજરાતના મુળ વતની છે પરંતુ ચોક્કસ વતનનું સરનામું કે બીજા કોઈ સગાનું સરનામું જાણતા નથી પંદરેક વર્ષ પહેલા સુધી આ બા’ના સગાભાઈ પુનાભાઈ ગામીત ખબર અંતર પુછવા આવતા જતા રહેતા હતા પરંતુ પંદર વર્ષ પહેલા તેઓ ગુજરી ગયા અને આ સંબંધને પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું.
વાલીવારસ નથી ત્યારે પુરાવાની જરુર : મુખ્ય વાત તો એ કે આ બાનું ફક્ત નામ જ અમો જાણીએ છીએ. આ સિવાય તેમના કોઇ વાલીવારસ નથી કે નામ સિવાય કોઈ માહિતી કે કોઈ તેમનો આધાર પુરાવો નથી. બા પથારીવશ છે. જેમને જમાડવાથી માંડીને ઝાડો પેશાબ સાફસફાઈ બધુ અમે રાજીખુશીથી કરીએ છીએ. પણ ડોક્ટર સાહેબે કહ્યું છે કે તેમની તબિયત સ્થિર છે અને તેમની જેટલી સેવા થાય તેટલી કરો તેમનું કાંઈ નક્કી નથી અને ભગવાન ના કરે અને તેમને કાંઇ થઈ જાય તો અંતિમ ક્રિયા માટે પ્રશાસન કોઈ આધાર પુરાવો માંગે તો શું કરવું? આ સવાલનો જવાબ મેળવવા અમે પોલીસ પાસે આવ્યા છીએ.
મદદની મુક્ત મને પ્રશંસા કરવા જેવી છે આધાર પુરાવારુપ દાખલો કાઢી આપવા તજવીજ : હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહે આ અંગે પીએસઆઇ બિપીન પરમાર અને ઇન્સ્પેક્ટર સોનારાને વાત કરી હતી. તેમણે આ દંપતિની તમામ પ્રકારની મદદ કરવા સૂચના કરતા પીએસઆઈ પરમાર કિરીટસિંહ તથા શી ટીમ તરત જ એ વૃદ્ધ દંપતિનાં ઘરે પહોંચી ગયા હતાં. તેમણે જ સ્થાનિક કોર્પોરેટર સાથે મળી બા રાજુબેનના આધાર પુરાવારુપ દાખલો કાઢી આપવા તજવીજ હાથ ધરી હતી.
પ્રેરણારુપ માણસાઈની જ્યોત :આ કિસ્સામાં આ જમાનામાં લોકો લોહીની સગાઈ હોય તેવા સગા સ્નેહીઓને સાચવતા નથી, વૃદ્ધાશ્રમો ઉભરાય છે, એમાં પણ દાદાદાદી તો બોજ રૂપ લાગે, મોબાઈલ યુગમાં કોઈ કોઈનું સગુ નથી. તેવા આ ઘોર કળયુગનાં સમયમાં 85 થી 90 વર્ષના વર્ષોવૃદ્ધ કામવાળા બહેનને તેની પાછલી અવસ્થામા કે, નાજુક તબિયતમાં પથારીવશ સ્થિતિમાં ઝાડોપેશાબ સાફ કરવા, નવડાવવા તથા સમયસર ખાવાનું આપવું તેવું કામ કરનાર પણ કોઈક છે. ખરેખર જ્યારે રાંદેર પોલીસની ટીમે મુલાકાત દરમિયાન આ વાત કહી વૃદ્ધ દંપતિ તથા તેમની દીકરી મુક્તિબેનને સમાજ માટે પ્રેરણારૂપ એવા તેમના કામ અને સંસ્કાર બદલ હૃદયપૂર્વક અભિનંદન આપી વિદાય થયા હતાં.
- Ganesh Chaturthi 2023 : કાશીના દ્રશ્યો સર્જાયા સુરતમાં, ગણતરીના કલાકો માટે લાખો રૂપિયાનો ખર્ચ, જાણો કેમ છે ખાસ
- Surat News: બીબીએ કર્યા બાદ સ્ટ્રીટ પર મોમોઝ વેચતા નૂપુર મોદી, સિંગલ પેરન્ટ મધરનો બન્યા છે સહારો
- Ahmedabad News : દિવ્યાંગોની જુબાને છે ધરમશી રબારીનું નામ, દિવ્યાંગોની દિવસરાત કરે છે મદદ