સ્વતંત્રતા પર્વ 2023ની તૈયારીઓ સુરત: ટેક્સટાઇલ સિટી સુરતમાં હાલ સ્વતંત્રતા પર્વને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અહીં કરોડોની સંખ્યામાં ઉદ્યોગકારો તિરંગા બનાવી રહ્યા છે જે દેશના ખૂણેખૂણામાં જશે. માત્ર ટેક્સટાઇલ ઉદ્યોગ જ આ કાર્ય માટે કાર્યરત નથી, પરંતુ પોસ્ટ વિભાગ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. સુરત શહેરના પોસ્ટ ઓફિસ દ્વારા દરરોજે 10 લાખ તિરંગા દેશના અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે જેથી હર ઘર તિરંગા પહોંચી શકે.
દરરોજ 10 લાખ તિંરગા પોસ્ટ : સ્વતંત્રતા પર્વની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કેન્દ્રીય કાપડ મંત્રાલય દ્વારા પણ દરેક શહેર સુધી તિરંગા પહોંચી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેની જવાબદારી ટેક્સટાઇલ સિટી સુરતને સોંપવામાં આવી છે. અહીં પાંડેસરા સચિન ઈચ્છાપુર સહિત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં હાલ તિરંગા તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેથી દેશભરમાં તે મોકલી શકાય. 1 કરોડથી પણ વધુ હાલ તિરંગા તૈયાર કરવામાં આવી રહ્યાં છે અને આ તિરંગા મોકલવાની જવાબદારી પોસ્ટ વિભાગને આપવામાં આવી છે. સુરત પોસ્ટ વિભાગ દેશનો એકમાત્ર એવું પોસ્ટ વિભાગ છે જે દૈનિક દસ લાખથી પણ વધુ તિરંગા પહોંચાડી રહ્યા છે.
કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રાલયના ધારાધોરણ મુજબ સુરતમાં તિરંગા તૈયાર કરવામાં આવી રહ્યો છે અને આ તિરંગાની પેકિંગથી લઈ તેને પહોંચાડવાની જવાબદારી સરકાર દ્વારા પોસ્ટ વિભાગને સોંપવામાં આવી છે. બે રીતે તિરંગા લોકો સુધી પહોંચે તે માટેની વ્યવસ્થા છે. પોસ્ટ ઓફિસમાથી પણ તિરંગા મેળવી શકશે, બીજી બાજુ અન્ય રાજ્યોમાં જરૂર હોય ત્યાં પેકિંગ કરી ટ્રેન મારફતે પહોંચાડવામાં આવે છે. રોજે દસ લાખથી પણ વધુ તિરંગા મોકલવામાં આવી રહ્યાં છે. વિભાગના કર્મચારીઓ આ કાર્ય દેશભક્તિની લગનમાં કરી રહ્યા છે...સંજય મિસ્ત્રી (ડીવાયએસપી, સુરત પોસ્ટ વિભાગ)
તિરંગાના ઓર્ડર મળ્યા હતા : કેન્દ્ર સરકાર દ્વારા ગત વર્ષે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત પોસ્ટ વિભાગ દ્વારા લોકોને ઘરે ઘરે તિરંગા મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી, ગત વર્ષે લોકોનો ઉત્સાહ જોઈને આ વર્ષે પણ તે જ વ્યવસ્થા કરવામાં આવી છે. ગયા વર્ષે પોસ્ટ વિભાગ દ્વારા સમગ્ર ભારતમાં સવા કરોડ જેટલા તિરંગાઓ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
પોસ્ટ વિભાગની સાઈટ ઉપર રજિસ્ટ્રેશન : ગત વર્ષે સમગ્ર ગુજરાતમાં સુરત જ એક એવું શહેર હતું જેમાં સૌથી વધુ તિરંગાના ઓર્ડર મળ્યા હતા.આ વખતે પણ લોકોને તિરંગા મળી રહે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા તૈયારીઓ થઈ ચૂકી છે. જેના માટે લોકોએ પોસ્ટ વિભાગની સાઈટ ઉપર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
- Surat News : સુરતમાં હર દિલ તિરંગા કાર્યક્રમ, હજારો લોકોએ એકસાથે વિશ્વ કીર્તિમાન સ્થાપિત કર્યો
- republic day 2023: રાજકોટમાં 251 ફૂટના તિરંગા સાથે ગૌરવયાત્રા યોજાઈ
- Tarang Post હવે માત્ર 7 કલાકમાં મળી જશે ટપાલ, પોસ્ટ વિભાગે શરૂ કરી દેશની સૌપ્રથમ સેવા