અજગરને પકડીને વન વિભાગને સોંપવામાં આવ્યો સુરત : સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં રાજપુરા લુંભા ગામે મીંઢોળા ખાડીના કિનારે એક અજગરે બકરીને દબોચી લીધી હતી. ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના સભ્યોએ સ્થળ પર પહોંચી બકરીને અજગરની ચૂંગાલમાંથી છોડાવી હતી. જો કે શ્વાસ રુંધાઇ જવાથી બકરીનું મોત થયું હતું.
બકરીને પોતાના ભરડામાં લેનાર અજગર 11 ફૂટ જેટલો લાંબો હતો અને પચાસ કિલો જેટલું વજન ધરાવતો હતો. એક કલાકની જહેમત બાદ અજગરને પકડી વનવિભાગને સોંપવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા અજગરને છોડવાની કાર્યવાહી કરવામાં આવશે...જતીન રાઠોડ (પ્રમુખ, ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ)
ખેતરમાંથી આવ્યો મહાકાય અજગર : બારડોલી તાલુકાનાં રાજપૂરા લુંભા ગામે રહેતા હરીશભાઇ ઠાકોરભાઈ હળપતિ પશુપાલનનો વ્યવસાય કરે છે. સોમવારના રોજ હરીશભાઇની બહેન બાઇકીબેન બકરા ચરાવવા માટે રાજપુરા લુંભા ગામની મીંઢોળા ખાડી કિનારે ગઈ હતી. તેણી બકરા ચરાવી રહી હતી ત્યારે સાંજે 6 વાગ્યાની આસપાસ દીપકભાઈ ગોવિંદભાઈ ટેલરના શેરડીના ખેતરમાંથી એક મહાકાય અજગર આવી ચઢ્યો હતો અને ચારો ચરી રહેલી બકરીને દબોચી લીધી હતી.
બકરીને બચાવી ન શકાઇ : બકરીનો અવાજ આવતા ખેતરમાં જોવા ગયેલી બાઇકીબેને અજગર ભરડામાં બકરીને જોતાં ગભરાઈ ગઈ હતી. તેણીએ તાત્કાલિક તેના ભાઈને જાણ કરતાં તેઓ ખાડી કિનારે પહોંચ્યા હતાં અને બકરીને છોડાવવાના પ્રયાસો કર્યા હતાં. પરંતુ તેમને સફળતા ન મળતા ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટીમનો સંપર્ક કરતાં પ્રમુખ જતીન રાઠોડ સહિત ટીમના સભ્યો સ્થળ પર પહોંચ્યા હતા. દરમ્યાન એક કલાકની જહેમત બાદ સભ્ય કિરણ રાઠોડે અજગરના ભરડામાંથી બકરીને છોડાવી અજગરને પકડી લીધો હતો. કમનસીબે બકરીનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.
વળતર માટેની તજવીજ : ઘટના અંગે વન વિભાગને જાણ થતાં વન વિભાગનો સ્ટાફ સ્થળ પર આવ્યો હતો અને અજગરનો કબ્જો લઈ સ્થળનો પંચક્યાસ કર્યો હતો. તેમજ વન્યજીવ દ્વારા પાલતુ પશુનું મોત થતાં વળતર અંગેનું ફોર્મ ભરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અજગરે બકરીને પકડી લીધી હોવાની જાણ થતાં જ ગામના લોકો મોટી સંખ્યામાં ખેતરમાં પહોંચી ગયા હતાં.
- Navsari Python Rescue : વાંસદાના શિંધય ગામમાં ઘૂસ્યો મહાકાય અજગર, ધારાસભ્ય અનંત પટેલે કર્યું રેસ્ક્યુ
- Karnataka: વિશાળ અજગરે કર્યો બકરાને ગળી જવાનો નિષ્ફળ પ્રયાસ, જુઓ વીડિયો
- મહાકાય અજગર દુકાનમાં ઘૂસ્યો અને....