પંચતત્વ થીમ પર બનેલા ડાયમંડ બુર્સમાં અપશુકનિયાળ ગણાતો 13માં નંબરનો માળ જ નથી, જાણો બુર્સનું અવનવું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી ડિસેમ્બરે ગુજરાત આવી રહ્યા છે. તેઓ સુરતમાં ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનની સાથે સુરત એરપોર્ટના વિસ્તરણની યોજનાનું અનાવરણ પણ કરશે. પીએમ મોદીના આગમનને લઈ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની આગેવાનીમાં આજે બેઠક યોજવામાં આવી હતી.
પીએમ મોદી પંચતત્વ થીમ પર બનેલા ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરે તે પહેલાં સી આર પાટીલની બેઠક, જાણો બુર્સનું અવનવું
સુરત :17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી મોટી ઓફિસના ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. સુરત ખાતે હવે વિશ્વનો સૌથી મોટો ડાયમંડ ટ્રેડિંગ અને પોલિસીંગ હબ બનીને તૈયાર છે. 4000થી પણ વધુ વેપારીઓએ આ ટ્રેડિંગ હબ માટે યોગદાન આપ્યું છે. પંચતત્વ થીમ પર બનેલા બુર્સમાં અપશુકનિયાળ ગણાતો 13માં નંબરનો માળ જ નથી. 16 માળ 18 સેકન્ડમાં પહોંચી શકાય છે. ત્યારે પીએમ મોદીના હસ્તે ડાયમંડ બુર્સ ઉદ્ઘાટનને લઇ ધમધમાટ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમને લઇ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આયોજન સમીક્ષા કરી હતી.
ડાયમંડ બુર્સ ઉદ્ઘાટન : વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનાર છે તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી ડિસેમ્બરે ફરી ગુજરાત આવી રહ્યા છે. તેઓ સુરત ખાતે બંધાયેલા આલિશાન ડ્રીમ સિટી ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનની સાથે સુરત એરપોર્ટના વિસ્તરણની યોજનાનું અનાવરણ પણ કરશે. પીએમ મોદીના આગમનને લઈ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની આગેવાનીમાં આજે બેઠક યોજવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને સફળ બનાવવા માટે બેઠક યોજાઇ હતી, જેમાં સુરત શહેરના તમામ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતાં. બેઠક ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઓફિસમાં યોજાઇ હતી.
ટેક્સના પૈસાથી ગુજરાતને લાભ થશે : સી આર પાર્ટીલે જણાવ્યું હતું કે પેન્ટાગોનથી પણ મોટી ઓફિસ હવે સુરત શહેરના ખજોદ વિસ્તારમાં બનીને તૈયાર છે. આજ દિન સુધી હીરા વેપાર મુંબઈ ખાતે થતો હતો અને ઇન્કમટેક્સ ત્યાંના વેપારીઓ ભરતા હતાં. હવે આ ઓફિસ બન્યા બાદ હીરાના વેપારીઓ અહીંથી વ્યવસાય કરશે અને ટેક્સની જે રકમ ભરવામાં આવશે તેનો લાભ પણ ગુજરાતને મળી રહેશે. ડાયમંડ બુર્સ ઉદ્ઘાટનને લઈ હાલ બેઠક યોજવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા સુરત મહાનગરપાલિકા સ્વચ્છતા અભિયાન થકી લોકોને જાગૃત પણ કરી રહી છે.
દેશનું સૌથી મોટું રેડિયન્ટ કૂલિંગ ઈન્સ્ટોલેશન ધરાવે છે સુરત ડાયમન્ડ બુર્સ: સુરતમાં ટૂંક સમયમાં વિશ્વના સૌથી મોટા ડાયમંડ ટ્રેડિંગ એન્ડ પોલીસિંગની શરૂઆત થઇ જશે. જ્યાં 175 જેટલા દેશો વેપાર માટે આવશે. જ્યાં દેશનો સૌથી મોટો રેડિયન્ટ કૂલિંગ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવામાં આવ્યો છે. આ અંગે સુરત ડાયમંડ બુર્સના CEO મહેશ ગઢવીએ જણાવ્યું હતું કે...
સ્પાઇન કનેક્ટિવિટી પેસેજની અંદર રેડિયન્ટ કૂલિંગ વાપરવામાં આવી રહ્યું છે. જ્યાં કૂલિંગ ટાવરના ડિસ્ચાર્જ વોટરને પંપીંગના માધ્યમથી પાઇપની અંદર નાંખતા હોઈએ છીએ. જેના કારણે બિલ્ડિંગની બહાર જે તાપમાન હશે, તેના કરતાં 5 ડિગ્રી ઓછું તાપમાન બિલ્ડિંગની અંદર રહેશે. ઓછી એનર્જીમાં વધુ કમ્ફર્ટ મળી શકશે.
એક જ જગ્યાએ 27 જ્વેલરી શોરૂમ: સુરત ખજોદ ખાતે વિશ્વને સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ મળવા જઈ રહ્યું છે. દેશ અને વિદેશના 4500થી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટને પાર પાડી રહ્યા છે. ડાયમંડ ઉદ્યોગને નવી દિશા આપવા માટે આ માઈલ્ડસ્ટોન પ્રોજેક્ટ છે. ત્યારે ડાયમંડ સિટી સુરતમાં તૈયાર થઈ રહેલા ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) દસ કે પંદર નહીં, પરંતુ 27 જેટલા જ્વેલરી શોરૂમ એક જ સ્થળે અને એકજ સાથે જોવા મળશે.
અપશુકનિયાળ ગણાતો 13માં નંબરનો માળ જ નહીં હોય: સુરત શહેરના ખજોદ વિસ્તારમાં સુરત ડાયમંડ બુર્સ(Surat Diamond Bourse) તૈયાર થઇ રહ્યું છે, ત્યારે એક વાત મહત્વની જાણવા મળી છે કે, આ ડાયમંડ બુર્સમાં 13મો માળ જ નહી હોય. આ પાછળનું કારણ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો એક સંખ્યા 13ને અપશુકનિયાળ માને છે. તેથી 12 અને પછી 14મો માળ હશે.
વિશ્વના સૌથી મોટા ડાયમંડ ટ્રેડિંગ એન્ડ પોલીસિંગ હબની શરૂઆત થશે: સુરત ડાયમંડ બુર્સમાં એક જ જગ્યાએ રફ ડાયમંડનું ઓક્શન અને પોલિશ્ડ ડાયમંડ એક્સપોર્ટ કરવામાં આવશે. સૌથી અગત્યની વાત એ છે કે, વિશ્વનું સૌથી મોટુ ડાયમંડ બુર્સ ટ્રીટેડ પાણીથી તૈયાર થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ વિશ્વ સામે ગ્રીન પ્રોજેક્ટ તરીકે રજૂ કરવામાં આવશે.
સુરત ડાયમન્ડ બુર્સની ખાસિયત
4,000થી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે
20 માળના 9 ટાવર છે, જેમાં 4,500 ઓફિસ છે
પંચતત્વ થીમ પર બનેલા બુર્સમાં સોલાર પેનલ, ટ્રીટેડ વોટર પ્લાન્ટ
કોઇપણ ગેટથી ઓફિસમાં 5 મિનિટમાં પહોંચાશે
તમામ ટાવરમાં 128 લિફ્ટ છે 16 માળ 18 સેકન્ડમાં પહોંચી શકાય છે
પ્રોજેક્ટની કિંમત રૂપિયા 2,500 કરોડ છે
1.25 લાખ કરોડનું કુલ મૂડી રોકાણ
46,000 ટન સ્ટીલનો વપરાશ
હીરાવેપારીઓ 13 નંબર અપશુકનિયાળ માનતાં હોવાથી 13મો માળ રખાયો નથી
2 કલાકની ફાયર રેટિંગ ક્ષમતા : અહીં એક જ જગ્યા પર રફ અને પોલિશ્ડ ડાયમંડનો વેપાર થશે. આ પ્રોજેક્ટના કારણે સુરતમાં 2 લાખ કરોડનો વેપાર આવનારા દિવસોમાં થઈ શકશે. બિલ્ડિંગમાં આગ ઓલવવાની મશીનરી 2 કલાકની ફાયર રેટિંગ ક્ષમતા ધરાવે છે. બિલ્ડિંગની ઉપર 400 KV સોલાર રૂફ મૂકવાની સાથે 1.8 MLDનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. વીજળી અને પાણીની પણ મોટા ભાગની બચત થઈ શકશે. -22 ઓક્ટોબર 2016ના રોજ ગુજરાત સરકારે 36 એકર જમીન સુરત ડાયમંડ બુર્સ કમિટીને સોંપી હતી અને પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું.