હેરિટેજ વૃક્ષ મેટ્રો પ્રોજેક્ટ એલાઈમેન્ટ વચ્ચે આવી રહ્યું છે સુરત : જાગૃત પર્યાવરણ પ્રેમી લોકો શહેરના પાલ વિસ્તારમાં આવેલા 400 વર્ષ જુના અતિ દુર્લભ ગણાતા આફ્રિકન બાઓબાબ ટ્રી બચાવવા માટે હરકતમાં આવ્યા છે. હેરિટેજ વૃક્ષ મેટ્રો પ્રોજેક્ટ એલાઈમેન્ટ વચ્ચે આવી રહ્યું છે. જેથી લોકોને ભય છે કે વિકાસકાર્ય માટે તેની બલી ન ચડાવવામાં આવે. જેથી લોકો મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓને રજૂઆત કરવાના પણ છે. બીજી બાજુ વૃક્ષ ને કોઈપણ પ્રકારની ક્ષતિ ન થાય આ માટે લડી લેવાના મૂડમાં પણ છે.
લોકોને ભય છે કે આ વૃક્ષ કાપી દેવાશે: બાઓબાબ વૃક્ષના અસ્તિત્વને ખતરો સુરત શહેરના પાલ વિસ્તારમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરીના કારણે 400 વર્ષ જુના ચોર આમલા એટલે આફ્રિકન બાઓબાબ ટ્રીને જોખમ ઉભું થયું છે. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ઝાડ કપાઈ જાય અથવા તો મેટ્રોના ખોદાકામથી ઝાડ તૂટી પડે તેવા સંજોગો ઉભા થયા છે. જ્યાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે અલાઈમેન્ટ લગાડવામાં આવ્યું છે. તેની વચ્ચે જ આ વૃક્ષ છે. લોકોને ભય છે કે આ વૃક્ષ કાપી દેવામાં આવશે. એટલું જ નહીં મેટ્રોની કામગીરી દરમિયાન આ વૃક્ષ પડી જાય તેવી પણ સંભાવનાઓ પણ છે.
આ પણ વાંચો Metro Ran A Rake Through A Tunnel: ગંગા નદીની નીચે પહેલી મેટ્રો ટ્રેન ચલાવીને ઈતિહાસ રચ્યો
મેટ્રોના એલાઈનમેન્ટની વચ્ચોવચ છે : જોકે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ જણાવી રહ્યા છે કે, તેઓ વગર આ વૃક્ષને સ્પર્શ કરે પ્રોજેક્ટને પૂર્ણ કરશે. પરંતુ આશરે બે માળ જેટલું ઉંચુ આ વૃક્ષ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના એલાઈનમેન્ટની વચ્ચોવચ આવેલું છે. આજ કારણ છે કે લોકો અસમનજસમાં છે કે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ કઈ રીતે આ વૃક્ષને અડ્યા વગર પૂર્ણ થઈ શકશે.
સુરતમાં આવા માત્ર ચારથી પાંચ જ ઝાડ : નેચર ક્લબના ફાઉન્ડર મેમ્બર સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે, આફ્રિકન બાઓબાબ ટ્રી જેને ગુજરાતીમાં ચોર આમલો કહેવામાં આવે છે તે સુરતના પાલ વિસ્તારમાં છે અને 400 વર્ષ કરતાં પણ જૂનું છે. જેને લોકો સુરતના હિસ્ટોરિકલ ટ્રી તરીકે ઓળખે છે. પહેલા પણ જ્યારે રોડ એક્સપાન્શન ચાલી રહ્યું હતું ત્યારે આ વૃક્ષો કપાઈ જવાના હતા. પરંતુ અનેક જાગૃત અને પર્યાવરણપ્રેમી નાગરિકોએ તેનો વિરોધ કર્યો. જેના કારણે પાલિકાને આ ઝાડની આજુબાજુથી રોડ બનાવવો પડ્યો હતો અને તેને બચાવી લેવામાં આવ્યું હતું અને હવે જ્યારે મેટ્રો રેલનો પ્રોજેક્ટ આવ્યો છે તો ફરીથી એવી ખબર પડી છે કે ઝાડની ઉપરથી મેટ્રો લાઈન જવાની છે અને ત્યાંના સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આ ઝાડ કપાઈ જશે. તો મારી લોકોને અને સંબંધિત વિભાગને વિનંતી છે સુરતના આ એક સિમ્બોલિક ટ્રીને બચાવી લેવામાં આવે. સુરતમાં આવા માત્ર ચારથી પાંચ જ ઝાડ રહી ગયા છે અને આટલા મોટા ઝાડ ખૂબ જ ઓછા છે. જેથી આને કોઈ પણ રીતે બચાવવું જોઈએ.
આ પણ વાંચો જૂઓ હાઈસ્પીડ બૂલેટ ટ્રેન સ્ટેશનની પહેલી ઝલક, જ્યાં મેટ્રો, રેલવે અને BRTSનો જોવા મળશે ત્રિવેણી સંગમ્
પ્રોટેસ્ટ પણ કરીશું : તેઓએ જણાવ્યું હતું કે, આ વૃક્ષની ખાસિયત એવી છે કે ઓરીજનલી આફ્રિકાનું ઝાડ છે. જેનું નામ જ આફ્રિકન બાઓબાબ ટ્રી છે. આ ખૂબ જ યુનિક ઝાડ છે. એનું થડ ખૂબ જ મોટું હોય છે અને એના ફુલ અને ફળ પણ ખૂબ જ સરસ આવે છે અને આ ખૂબ જ દુર્લભ વૃક્ષ છે. જે નર્સરીમાં પણ નથી મળતા. આટલા મોટા ઝાડને બચાવવા જોઈએ. અમે અત્યારે લોકોને જાગૃત કરી રહ્યા છીએ તેમજ સંબંધિત અધિકારીઓને અમે રિક્વેસ્ટ કરીશું અને પછી જરૂર પડે તો પ્રોટેસ્ટ પણ કરીશું. પરંતુ આ ઝાડને બચાવીશું.
અમે તેને અડવાના પણ નથી : સુરત મેટ્રોના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રશાંત કુલકર્ણીએ જણાવ્યું હતું, સુરત મેટ્રોના એલાઈનમેન્ટમાં સેંકડો વર્ષ જૂનું વૃક્ષ છે. લોકો કહી રહ્યા છે કે અમે ઝાડ કાપવા જઈ રહ્યા છીએ. પરંતુ એવું નથી. અમે તેને અડવાના પણ નથી અને કાપી પણ રહ્યા નથી. પરંતુ આ વૃક્ષ અમારી ગોઠવણીથી થોડે દૂર છે. જ્યાં ઝાડ છે ત્યાં થાંભલો બાંધવામાં આવી રહ્યો નથી. થાંભલો તેનાથી દૂર બાંધવામાં આવી રહ્યો છે. મેટ્રો વહીવટીતંત્ર આ વૃક્ષને નથી કાપી રહ્યું કે તેને સ્પર્શ પણ કરી રહ્યું નથી.