ગુણવત્તા અને ભેળસેળ સંદર્ભે કાર્યવાહી સુરત : ભીષણ ગરમીથી રાહત મેળવવા માટે જો તમે આઈસ ડિશ, બરફગોલા અને આઈસ્ક્રીમ ખાવા જઈ રહ્યા છો તો ચેતી જજો. કારણ કે મહાનગરપાલિકાએ શહેરના કેટલાક મોંઘીદાટ આઈસ ડિશ વેચનારના ત્યાંથી સેમ્પલ લઈ જ્યારે લેબમાં ટેસ્ટ માટે મહિના પહેલાં મોકલ્યા હતાં. તેમાંથી આઠ જેટલા વિક્રેતાઓના સેમ્પલમાં ભેળસેળ મળી આવતા પગલાં લેવામાં આવી રહ્યા છે. દરેક ઝોનમાં ટીમો બનાવીને સુરત ફૂડ એન્ડ સેફટી વિભાગ દ્વારા ખાદ્યપદાર્થની ગુણવત્તા તપાસવા દરોડા કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.
લેબોરેટરી ટેસ્ટ : સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આ ગરમીથી રાહત મેળવવા માટે લોકો ગોળા, આઈસ્ક્રીમ અથવા તો આઈસ ડિશ મારફતે ઠંડક મેળવવી રહ્યા છે. હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા આઇસ્ક્રીમ, ગોળા કે આઈસ ડિશમાં ગુણવત્તા છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને અનેક સેમ્પલો લેબોરેટરી ટેસ્ટમાં મોકલવામાં આવ્યા હતાં. જેમાંથી આઠ જેટલા વિક્રેતાઓના સેમ્પલ ફેઇલ થયા છે. આઇસ્ક્રીમમાં ફેટને બદલે આ વિક્રેતાઓ પામ ઓઇલનો ઉપયોગ કરી રહ્યા હતાં અને આઈસ ડિશમાં કલર ગુણવત્તાવાળો ન હોવાનું બહાર આવ્યું છે.
આઈસડિશ, આઈસ્ક્રીમ અને કેકના નમુના લેવામાં આવ્યા હતાં અને આ સેમ્પલ્સ લેબમાં મોકલવામાં આવ્યા હતાં.જેનું પરીક્ષણ થતાં આઠ એકમના નમૂનાઓ ફેઇલ થયા છે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આવા કેસમાં પાંચ લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે. અલગ અલગ ઝોનમાં ટીમો બનાવીને દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી...જગદીશ સાલુંકે (અધિકારી, ફૂડ એન્ડ સેફટી વિભાગ, સુરત)
આઠ નમૂનાઓ તપાસમાં ફેઇલ : સામાન્ય રીતે આઈસ્ક્રીમમાં ક્રીમ અથવા તો દૂધના ફેટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ સુરતના કેટલાક વેપારીઓ ફેટની જગ્યાએ પામ ઓઇલનો ઉપયોગ કરી રહ્યા છે જે હાલ લેબ ટેસ્ટ રિપોર્ટમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત આઠ નમૂનાઓ પણ તપાસમાં ફેઇલ ગયા છે. આવા તમામ લોકો સામે આવનાર દિવસોમાં પાલિકા કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.
- Rajkot news: રાજકોટમાં નકલી પનીર મામલે ફૂડ વિભાગના સતત ત્રીજા દિવસે દરોડા
- Rajkot News : રંગીલા શહેરમાં કલરફુલ ભેળસેળ 220 કિલો કેરીનો રસ ઝડપાયો
- ઓહો..!3 એકર જમીન વેચી,30 લાખ ખાદ્ય ભેળસેળ સામેના કેસમાં વાપર્યા
ગુણવત્તા ઉતરતી કક્ષાની : સુરત મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા ગયા મહિને કેક, પેસ્ટ્રી, આઈસ્ક્રીમ, મરીમસાલા તેમજ આઈસ ગોલાના કેટલાક નમૂના લેવાયા હતાં. જેમાંથી આઠ સેમ્પલ લેબોરેટરી તપાસમાં ફેઇલ આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ સેમ્પલમાં ગુણવત્તા ઉતરતી કક્ષાની છે. આઈસ ડિશ વેચનારાઓ ગોલા કે આઈસ ડિશમાં જે કલર વાપરે છે તે સારી ગુણવત્તાનો નથી. માત્ર આઈસ ગોળા જ નહીં પરંતુ આઈસક્રીમમાંની ગુણવત્તા પણ લેબમાં ફેઇલ થઈ છે.