આખુ વર્ષ પ્રજાની સુરક્ષા અને સલામતિમાં વ્યસ્ત રહેતા મહિલા આઈપીએસ અધિકારીઓ ગરબે ઝુમ્યા સુરત: શક્તિની આરાધનાના મહાપર્વ એટલે નવરાત્રિમાં સુરતના મહિલા આઈપીએસ મન મુકીને ગરબે ઝુમ્યા છે. આખુ વર્ષ નાગરિકોની સુરક્ષામાં વ્યસ્ત રહેતા પોલીસ કર્મચારી ખાસ કરીને મહિલા પોલીસ કર્મચારીઓએ સુરતમાં રાસ ગરબાની રમઝટ માણી છે. શહેરના અઠવાલાઈન્સ વિસ્તાર ખાતે સુરત પોલીસ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલા આઈપીએસ અધિકારીઓએ કર્યા ગરબાઃ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ મહોત્સવમાં મહિલા પોલીસ કર્મચારીઓએ ગરબા કર્યા હતા. આઈપીએસ સ્તરના મહિલા પોલીસ અધિકારીઓએ ખૂબ સરસ ગરબા કર્યા હતા. સુરત ટ્રાફિક પોલીસના ડીસીપી અમિતા પટેલ અને સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપી હેતલ પટેલ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવ્યા હતા. આ અધિકારીઓ સિવાય અન્ય મહિલા પોલીસ કર્મચારીઓ પણ કોઈ ઓળખી ન શકે આ મહિલાઓ પોલીસ છે તે રીતે ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને આવ્યા હતા.
જરૂરિયાતમંદોને આમંત્રણઃ પોલીસ કર્મચારીઓ સિવાય મહિલા આઈપીએસ અધિકારીઓએ દિવ્યાંગ, વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો તેમજ પોલીસના પરિવારજનોને આમંત્રણ આપ્યું હતું. સુરતના પરેડ ગ્રાઉન્ડમાં દરેક હાજર નાગરિકોએ માતાજીની ભક્તિભાવ સાથે આરાધના કરી. તેમજ રાસ ગરબાની મોજ માણી હતી. આ ગ્રાઉન્ડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ હોવાને લીધે યોગ્ય પ્રમાણમાં ઘાસની લોન, વૃક્ષો અને પૂરતા પ્રમાણમાં પ્રકાશની વ્યવસ્થા હોવાથી ખેલૈયાઓને મોજ પડી ગઈ હતી.
શહેરમાં જ્યાં પણ નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે ત્યાં મહિલા પોલીસ કર્મીઓ પણ ફરજ પર છે. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લોકો ગરબા કરી શકે આ માટે સુરત પોલીસ હંમેશા તત્પર છે. અમે કાયદા વ્યવસ્થાની જાળવણી કરીએ આ સાથે શહેરની દીકરી, માતાઓ અને બહેનો સુરક્ષિત રહે તે માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ...હેતલબેન પટેલ(ડીસીપી, સુરત પોલીસ)
- Navratri 2023: ગરબા આયોજકોએ ફરજીયાત એમ્બ્યુલન્સ રાખવી પડશે, હોસ્પિટલમાં તબીબી સેવાઓ રાઉન્ડ ધ કલોક કાર્યરત
- Navratri 2023: શું તમે જાણો છો નવરાત્રિમાં ગવાતી આદ્યશક્તિની આરતીની રચના સૌપ્રથમ કયારે થઈ હતી ?