સુરત :જિલ્લામાં છેલ્લા 15-20 દિવસથી વરસાદ ન વરસતાં સૌ કોઈની ચિંતામાં વધારો થયો હતો. ત્યારે છેલ્લા બે દિવસથી સુરત જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ રહ્યાં છે. જેને લઇને ફરી એકવાર ધોધમાર વરસાદ વરસે તેવી આશા બંધાઈ છે. ત્યારે આજરોજ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. ઓલપાડ તાલુકાના ટકારમાં, ભટગામ, સોંદામીઠા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. જેને લઇને ખેડૂતોની ચિંતામાં આંશિક ઘટાડો થયો હતો.
વરસાદી ઝાપટા : લાંબા વિરામ બાદ શહેરમાં વરસાદની એન્ટ્રીના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં સૌ કોઈને બફારમાંથી રાહત થઈ હતી. ઉલ્લેખનિય છે કે ગતરોજ બારડોલી તાલુકાના બાબેન, ઈસરોલી, તેન સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. હાલ સુરત જિલ્લામાં ડાંગર, બાગાયતી, શાકભાજી સહિતના પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર થયું છે. ત્યારે હાલ મેઘરાજા મન મૂકીને વરસે તે જરૂરી બન્યું છે.
છેલ્લા લાંબા સમયથી ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હાલ વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. જેને લઇને ખેડૂતોને થોડી રાહત થશે. હાલ ધોધમાર વરસાદ વરસે તે જરૂરી છે. ઓલપાડ તાલુકામાં ડાંગર, શેરડી, શાકભાજી સહિતના પાકોને વરસાદની ખૂબ જ જરૂર છે.-- મહેન્દ્રભાઈ (ખેડૂત)
વરસાદની આગાહી : હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ઝરમરિયા વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી. તે પ્રમાણે સુરત શહેરમાં અડાજણ, રાંદેર, જાગીરપુરા, પાલ, કતારગામ, અમરોલી, નાના વરાછા, મોટા વરાછા, ઉધના, લિંબાયત, ડીંડોલી, ગોડાદરા, પાંડેસરા, અલથાણ, વેસુ, પીપલોદ, અઠવાલાઇન્સ, ડુમસ, ઈચ્છાપુર, કવાસ એમ મળી સમગ્ર સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જોકે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીથી રાહત થઇ હતી.
ઉકાઈ ડેમ :ઉપરવાસમાં વરસાદનો વિરામ છે. ત્યારે ઉકાઇ ડેમમાં પણ પાણીની આવક ઘટી છે. તે સાથે સુરતના કોઝવેની સપાટી 5.76 મીટર છે. જે ભયજનક નીચે આવતા કોઝવે પર સાફસફાઇની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શનિવારથી કોઝવેનો વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો હતો.
- Surat News : ચોમાસાની સીઝન શરૂ થતા જ સુરતમાં લોકોના આખોમાં કન્ઝેક્ટિવાઇટિસનું પ્રમાણ વધું જોવા મળ્યું
- Surat Monsoon News : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર, રાજ્યમાં સૌથી વઘુ સુરતનાં બારડોલીમાં 8 ઇંચ, મહુવા વાલોડમાં સાડા 6 ઈંચ વરસાદ નોધાયો