ચોરીના મોબાઈલ વેચાણ માટે જનતા માર્કેટમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન સુરત : શહેરમાં મોબાઇલ સ્નેચિંગ અને ચોરીની ઘટના જે રીતે વધી રહી છે, ત્યારબાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ સવિતા ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં શહેરના ભાગળ તળાવ ખાતે આવેલા જનતા માર્કેટમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસને જાણકારી મળી હતી કે, અહીં બિલ વગર મોબાઈલની લે વેચ થાય છે. પોલીસે અહીંથી લાખો રૂપિયાના મોબાઇલ પણ જપ્ત કર્યા છે.
માર્કેટમાં 70 પોલીસ કર્મીઓના દરોડા શું છે સમગ્ર મામલો : ભાગળ તલાવ ખાતે આવેલા જનતા માર્કેટમાં ચોરીના મોબાઇલ વેચાય છે. આવી ફરિયાદ મળતા સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિત 70 જેટલા પોલીસ કર્મચારીઓએ અલગ અલગ ટીમ બનાવી જનતા માર્કેટમાં દરોડા કરતા માર્કેટના વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યું હતું. એટલું જ નહીં કેટલાક વેપારીઓ પોલીસને જોઈ દુકાન બંધ કરી નાસી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, સુરતના મધ્યમાં આવેલા જનતા માર્કેટમાં મોબાઈલ લે વેચનો વેપાર ચાલે છે. છેલ્લા ઘણા સમયથી ચોરીના મોબાઇલ વેચવામાં આવે છે. તેની ફરિયાદ પોલીસને કરવામાં આવી રહી હતી. જેથી આ દરોડા દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી હતી.
આ પણ વાંચો :Navsari Crime : વાડ જ ચીભડા ગળે તેઓ ઘાટ, કામ કરતા કર્મીએ જ કંપનીમાં હાથ ફેરો કર્યો
બિલ વગરના વેચાઈ છે મોબાઈલ :મેગા સર્ચ ઓપરેશનમાં ક્રાઈમ બ્રાન્ચના જેસીબી, ડીસીપી, એસીપી અને પીઆઇ સહિત સ્થાનિક પીઆઇ, એસઓજી, પીસીબીના અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસ સમગ્ર માર્કેટમાં અલગ અલગ ટીમ બનાવી દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જનતા માર્કેટમાં દર મહિને કરોડો રૂપિયાના મોબાઇલ લે વેચ થાય છે. પોલીસને માહિતી મળી હતી કે, આ માર્કેટમાં ચોરીના મોબાઇલ પણ વેચવામાં આવે છે અને અનેક કેસોમાં બીલ વગરના પણ મોબાઈલ વેચાઈ રહ્યા છે. બાતમીના આધારે પોલીસ કાફલો અહીં તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો :Ahmedabad Crime: કણભામાં 17 લાખની ધાડ પાડનારી ભાંભોર ગેંગના 2 આરોપી ઝડપાયા, 6 હજી પણ વોન્ટેડ
કેટલાક વેપારીઓ નાસી ગયા : સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે અલગ અલગ ટીમ બનાવીને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જનતા માર્કેટમાં બિલ વગર મોબાઈલ વેચાઈ રહ્યો છે કે તે ચોરીના છે તે અંગે પણ અમે તપાસ કરી રહ્યા છે. મોબાઇલ ફોન સાથે છેડછાડ કરી વેચવામાં આવે છે કે નહીં તે અંગે પણ અમે તપાસ કરી રહ્યા છે. કેટલાક વેપારીઓ દુકાનો બંધ કરીને નાસી ગયા છે. અમે આ લોકોને પણ બોલાવીને પૂછપરછ કરીશું.