સુરત :શહેરની સીમાબેન પવારે અનેક મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે. પોતાના ઘરમાં માનસિક દિવ્યાંગ ભાઈને જોઈ તેઓએ એક સંસ્થાની શરૂઆત કરી હતી. આ સંસ્થા સુરત શહેરના માનસિક દિવ્યાંગ બાળકો માટે કાર્યરત છે કે જેઓના માતા પિતા નથી અથવા તો માતા-પિતા આખો દિવસ તેમને ઘરે રાખવા માંગતા નથી. સીમાબેન અને તેમના અન્ય બે બહેનપણી દ્વારા આ સંસ્થા ચલાવવામાં આવી રહી છે. સીમાબેનની જેમ જ રચનાબેનના ઘરે પણ એક માનસિક દિવ્યાંગ સભ્ય હોવાના કારણે બંને દ્વારા અન્ય માનસિક દિવ્યાંગ બાળકોની સેવા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
હોસ્ટેલમાં 35 માનસિક દિવ્યાંગ બાળકો :સીમાબેન દ્વારા સુરત શહેરના વરાછા વિસ્તારમાં માનસિક દિવ્યાંગ બાળકો માટે હોસ્ટેલની શરૂઆત કરવામાં આવી છે. આ હોસ્ટેલમાં હાલ 35 જેટલા માનસિક દિવ્યાંગ બાળકો રહે છે. જેમાંથી 20 જેટલા બાળકોનો તમામ ખર્ચ તેઓ પોતાની સંસ્થાના માધ્યમથી ઉઠાવી રહ્યા છે. આ હોસ્ટેલમાં એવા બાળકો છે કે જેઓ અનાથ છે અથવા તો પિતા નથી. એટલું જ નહીં કેટલા એવા પણ બાળકો છે જેમના માતા-પિતા તો છે, પરંતુ તેઓ પોતાના માનસિક દિવ્યાંગ બાળકોના સંભાળ માટે આ હોસ્ટેલમાં મૂક્યા છે અને દર મહિને ચાર્જ આપે છે.
શરૂઆત ત્રણ બાળકો સાથે થઈ :સીમાબેન ઉન્નતિ નામની સંસ્થા ચલાવે છે. B.Sc.Mrની ડિગ્રી પણ ધરાવે છે. સીમાબેન પવારે જણાવ્યું હતું કે, તેમના ભાઈ 75 ટકા માનસિક દિવ્યાંગ હતા. તેમની બહેનપણી રચનાબેનના ઘરે પણ એક સભ્ય 25 ટકા માનસિક દિવ્યાંગ હતા. જેથી આવા બાળકો માટે કશું કરવાનું વિચાર આવ્યો. કોરોના કાળ પહેલાં નાના વરાછામાં એક હોસ્ટેલની શરૂઆત કરી હતી. આજે અહીં 35 જેટલા બાળકો છે. આ બાળકો સામાન્ય બાળકોની જેમ ભણે છે સંસ્થાની શરૂઆત અમે પહેલા ત્રણ બાળકો સાથે કરી હતી.