કોસંબા પોલીસે નાની મોટી તલવારો અને છરા કબ્જે કરી લીધા સુરતઃ લોકમેળામાં હંમેશા અવનવી ચીજવસ્તુઓનું વેચાણ લોકોને આકર્ષતું હોય છે. જેમાં ઘણીવાર ગુનેગારો ગેરકાયદેસર વસ્તુઓનું પણ વેચાણ કરતા જોવા મળે છે. આવી જ ઘટના સુરતના માંગરોળમાં બની છે. માંગરોળના કોઠવા ગામે લોકમેળામાં સરાજાહેર એક ઈસમ તીક્ષ્ણ હથિયારોનું વેચાણ કરતો હતો. આ સખ્સ તલવાર, છરા જેવા ઘાતક હથિયારોનું વેચાણ કરતો હતો. કોસંબા પોલીસે આ સખ્સને મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાહેરનામાનો ભંગઃ માંગરોળના કોઠવા ગામે અત્યારે લોકમેળો ચાલી રહ્યો છે. આ લોકમેળા સંદર્ભે માંગરોળના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં વિવિધ નિયમાવલીનો સમાવેશ થાય છે. કોઠવાના લોકમેળામાં આ સખ્શે તીક્ષ્ણ હથિયારોનું જાહેરમાં વેચાણ કરીને જાહેરનામાનો ભંગ કર્યો હતો. કોસંબા પોલીસે લોકમેળામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત કર્યો હતો. જેમાં આ સખ્શ તીક્ષ્ણ હથિયારોનું વેચાણ કરતો ઝડપાઈ ગયો હતો.
પોલીસ કાર્યવાહીઃ મૂળ હિંમતનગર(સાબરકાંઠા)નો રહેવાસી અને હાલ કોઠવા ગામે રહેતો લલ્લુ લુહાર લોકમેળામાં તીક્ષ્ણ હથિયારોનું વેચાણ કરતો હતો. કોસંબા પોલીસને લલ્લુના સ્ટોલ પરથી તલવારો અને છરા મળી આવ્યા હતા. તેથી પોલીસે લલ્લુ લુહારની અટકાયત કરી હતી. પોલીસે લલ્લુ પાસેથી 7500 રુપિયાની કુલ 15 મોટી તલવાર, 8000 રુપિયાની કુલ 32 નાની તલવાર અને 4600 રુપિયાના કુલ 23 છરા એમ કુલ 20,100 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
લોકમેળામાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે અમારી ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. આ સમયે અમને આ સખ્શ જાહેરમાં તીક્ષ્ણ હથિયારોનું વેચાણ કરતા નજરે ચડ્યો. અમે મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે...જે.એ. બારોટ(પીઆઈ, કોસંબા પોલીસ સ્ટેશન, માંગરોળ)
- Kheda News: ખેડામાં ઘાતક હથિયારો સાથે ચાર ઈસમો ઝડપાયા
- Ahmedabad Crime: ક્રાઈમ બ્રાન્ચે હથિયારોની સોદાબાજી ઝડપી, 9 હથિયારો સાથે કુલ 3 આરોપીની ધરપકડ