સુરતઃ મહુવામાં ખેડૂતોને પોતાના ખેતરની જમીન સમથળ કરવા અને ખેતરની માટી કાઢવા જેવી બાબતમાં વહીવટી તંત્ર કનડી રહ્યું હોવાની રાવ ઉઠી છે. આ ખેડૂતોનો આક્ષેપ છે કે બેફામ રેતી ખનન અને ઈંટોના ભઠ્ઠાને લઈને વહીવટી તંત્ર આંખ આડા કાન કરે છે. જ્યારે લોકોને અન્ન પૂરુ પાડતા ખેડૂતો તરફ વહીવટી તંત્ર વ્હાલા દવલાની નીતિ રાખીને કનડગત કરી રહ્યું છે. આ મુદ્દે આજે મહુવાના ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો એક્ઠા થયા અને બારડોલી પ્રાંત કચેરીએ જઈ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું છે. આ એકત્ર થયેલા લોકોમાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી અને ખેડૂત નેતા દર્શન નાયક, ખેડૂત વિપુલ પટેલ, એડવોકેટ પરિમલ પટેલ, પ્રકાશ મેહતા વગેરેનો સમાવેશ થાય છે.
નગણ્ય બાબતોમાં ખેડૂત પર કાર્યવાહીઃઆ પંથકના ખેડૂતો પર વહીવટી તંત્ર નાની નાની બાબતોમાં કાર્યવાહી કરીને વિપદા ઊભી કરે છે. જેમાં ખેતરને સમથળ કરવા, ઘર બનાવવા ખેતરમાંથી માટી લેવા, ખેતરના વૃક્ષો ઉખાડવા, મૃત પશુઓ દાટવા ખાડો કરવા, ખાળકુવા માટે ખાડો કરવા તેમજ ચોમાસામાં ધોવાણ અટકાવવા પાળ બનાવવા જેવી અનેક બાબતોમાં વહીવટી તંત્ર ખેડૂતો પર કાર્યવાહી કરે છે. કેટલાક કિસ્સાઓમાં ફરિયાદ પણ નોંધાવે છે.
વ્હાલા દવલા નીતિઃ મહુવામાં અનેક ઈંટોના ભઠ્ઠા આવેલા છે. તેમજ મહુવા તાલુકામાંથી પસાર થતી અંબિકા પૂર્ણા નદીમાં બેફામ રેતી ખનન થઈ રહ્યું છે. આ ખનન માફિયાઓ અને ઈંટોના ભઠ્ઠાના માલિકો તરફ વહીવટી તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો આક્ષેપ ખેડૂત આગેવાનો લગાડે છે. જ્યારે આ વિસ્તારના આદિવાસી ખેડૂતોના સરકારની સહાયમાં પાસ થયેલા ટ્રેકટર, ટ્રેલર અને જેસીબી જેવા સાધનો પર ખોટા કેસો કરવામાં આવી રહ્યા હોવાનું ખેડૂત આગેવાન જણાવી રહ્યા છે.