ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Luxury Buses Issue : સુરતીઓએ 12 કિમી ફેરો મારવો પડશે, સુરતમાં લક્ઝરી બસના પ્રવેશને લઈ ધારાસભ્ય સામે એસોસિએશન - ધારાસભ્ય સામે એસોસિએશન

વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અને સુરત લક્ઝરી બસ ચેરીટેબલ એસોસીએશન સામસામે આવી ગયાં છે. સુરત વાલક પાટીયાથી બસો ઉપડવાના મુદ્દે લોકોને 12 કિલોમીટર વધુ ફરવું પડશે. તો બીજીબાજુ સોશિયલ મીડિયા પર કુમાર કાનાણી અણછાજતી વાતોનો સામનો કરી રહ્યાં છે.

Surat Luxury Buses Issue :  સુરતીઓએ 12 કિમી ફેરો મારવો પડશે, સુરતમાં લક્ઝરી બસના પ્રવેશને લઈ ધારાસભ્ય સામે એસોસિએશન
Surat Luxury Buses Issue : સુરતીઓએ 12 કિમી ફેરો મારવો પડશે, સુરતમાં લક્ઝરી બસના પ્રવેશને લઈ ધારાસભ્ય સામે એસોસિએશન

By

Published : Feb 20, 2023, 7:34 PM IST

સુરત શહેરમાં લક્ઝરી બસ પ્રવેશ કરશે જ નહીં: લક્ઝરી બસ ચેરીટેબલ એસોસિએશન

સુરત : લક્ઝરી બસના સુરત શહેરમાં પ્રવેશ અંગે હવે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી અને સુરત લક્ઝરી બસ ચેરીટેબલ એસોસીએશન હવે આમને સામને આવી ગયા છે. સુરત પોલીસના જાહેરનામા અનુસાર રાત્રી 10 વાગ્યા પછી જ શહેરમાં લક્ઝરી બસનો પ્રવેશ કરી શકાય. પરંતુ જાહેરનામાના ભંગના કારણે સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી.

12 કિલોમીટર વધુ ફરવું પડશે : શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઇ ટ્રાફિક વિભાગના ડીસીપીને એમએલએ કિશોર કાનાણીએ પત્ર લખ્યો હતો. ત્યારબાદ હવે ફેસબુકના માધ્યમથી લક્ઝરી બસ એસોસિએશન 10 વાગ્યા પહેલા પ્રવેશ પર પ્રતિબંધને લઈ ટ્રાફિક પોલીસ અને કુમાર કાનાણીને જવાબદાર ગણાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તરફ લક્ઝરી બસથી રોજે હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે. લક્ઝરી બસ ચેરીટેબલ એસોસિએશનના આ નિર્ણયના કારણે હવે લોકોને 10 થી 12 કિલોમીટર શહેરથી દૂર જઈને લક્ઝરી બસની મુસાફરી કરવી પડશે.

આ પણ વાંચો Kumar Kanani Letter : સુરત ટ્રાફિક પોલીસની કામગીરીથી ભારે નારાજ કુમાર કાનાણીએ પત્ર લખ્યો, 7 દિવસમાં જવાબ માગ્યો

શું હતો વિવાદ :સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એ માટે લક્ઝરી બસનો સમય રાત્રે 10 થી સવારે 7 વાગ્યા સુધીનો હશે. જોકે છેલ્લા ઘણા સમયથી શહેરના કાપોદ્રા ,વરાછા, સરથાણા વિસ્તારમાં સાંજે 7:00 વાગ્યાના અરસામાં જ લક્ઝરી બસો પ્રવેશ કરવા લાગી હતી અને શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાવા લાગી હતી. જેને ધ્યાનમાં રાખી વરાછા વિસ્તારના ભાજપના સાંસદ કિશોર કાનાણીએ ટ્રાફિક વિભાગના ડીસીપીને પત્ર લખી આ સમસ્યાનું નિરાકરણ લાવવા દરખાસ્ત કરી હતી અને ત્યારબાદ સુરત પોલીસ પણ એક્શનમાં આવી હતી અને સાંજે 07:00 વાગ્યે શહેરમાં પ્રવેશ કરી રહેલી લક્ઝરી બસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને સૂચના આપવામાં આવી હતી કે લક્ઝરી બસ રાત્રે 10 વાગ્યા પછી જ શહેરમાં પ્રવેશ કરે.

લક્ઝરી બસ ચેરીટેબલ એસોસિએશન આકરે પાણીએ

ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણી સામે લક્ઝરી બસ સંચાલકો : પરંતુ આ સમગ્ર મામલે હવે લક્ઝરી બસ ચેરીટેબલ એસોસિએશન અને ધારાસભ્ય કુમાર કાનાણી સામસામે આવી ગયા છે. પોલીસ એક્શન બાદ હવે સુરત લક્ઝરી ચેરીટેબલ એસોસિએશનના પ્રમુખ દિનેશ અણધણએ સોશ્યલ મીડિયાના પોસ્ટના માધ્યમથી જણાવ્યું છે કે, હવે સુરત શહેરમાં લક્ઝરી બસ પ્રવેશ કરશે જ નહીં. શહેરની જગ્યાએ શહેરથી 10 કિલોમીટર દૂર વાલક પાટીયાથી લક્ઝરી બસ ઉપડશે. એટલું જ નહીં સુરત લક્ઝરી બસ ચેરીટેબલ એસોસિએશનએ આ માટે સુરત શહેર પોલીસ અને વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીને જવાબદાર ગણાવ્યા હતા.

આ પણ વાંચોKumar Kanani letter : વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કમિશનરને પત્ર લખ્યો, ચીમકી સાથે કરી રજૂઆત

કાનાણીને થવા લાગ્યા ફોન : સુરત લક્ઝરી ચેરીટેબલ એસોસિએશનના પ્રમુખ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે જો કોઈને આ અંગે સમસ્યા હોય તો તેઓ ધારાસભ્ય કુમાર કાનાણીને ફોન કરી ફરિયાદ કરી શકશે. આ પોસ્ટ જોઈને ઘણા લોકોએ કુમાર કાનાણીને ફોન કરવા લાગ્યા હતા અને તેમની સાથે અપશબ્દ ભાષામાં વાત પણ કરી હતી. જેથી કુમાર કાનાણીએ ફેસબુક લાઈવ કરી જણાવ્યું હતું કે લક્ઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ નથી. માત્ર જાહેરનામા પ્રમાણે રાત્રી દસથી સવારે સાત વાગ્યા સુધી બસ પ્રવેશ કરી શકે છે. પરંતુ આ મુદ્દે તેમની સામે ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે.

કાનાણીની સ્પષ્ટતા : વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણીએ જણાવ્યું હતું કે, સુરત લક્ઝરી બસ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ અણધણે સોશિયલ મીડિયામાં આ લેટર મૂક્યો છે. તેમાં તેઓએ કહ્યું હતું કે સુરતના પાટીદાર ધારાસભ્ય કિશોર કાનાણીએ ટ્રાફિક પોલીસના ડીસીપીને પત્ર લખી જણાવ્યું હતું છે કે સુરત શહેરમાં એન્ટ્રી દરમિયાન બસ પ્રવેશવી જોઈએ નહીં. જેથી સુરત લક્ઝરી બસ એસોસિએશન નક્કી કરે છે કે વાલક પાટીયા પર બસ ઉભી રખાશે અને ત્યાંથી જ ઉપડશે. જેમાં મારો નંબર અને નામ લખ્યું છે અને સાથે લખ્યું હતું કે આમ છતાં લોકોને કોઈ ફરિયાદ હશે નીચે જણાવેલ નંબર ઉપર ફરિયાદ કરવા વિનંતી. આ પોસ્ટ વાયરલ થયા પછી મારી ઉપર ફોન આવવાના શરૂ થયા. એક ફોન પર વાત કરું તો પાંચ મિસકોલ આ વચ્ચે આવી જતા હતા. કોઈ સારી રીતે વાત કરે કોઈ વ્યવસ્થિત વાત કરે તો કોઈ સંસ્કારો પ્રમાણે ગાળો બોલે. મને લાગ્યું કે એ લોકોને ગેરમાર્ગે દોરીને ખોટા મેસેજ આપી રહ્યા છે. આ માટે ખુલાસો કરવા માટે એફબી લાઇવ કરીને સંપર્ક કર્યો.

ABOUT THE AUTHOR

...view details